World

થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પર લશ્કરી સંઘર્ષ બીજા દિવસે પણ યથાવત, 14ના મોત અને 46 ઘાયલ

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો લશ્કરી સંઘર્ષ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. બંને દેશોની સરહદ પર ચાલી રહેલી ભીષણ અથડામણો યુદ્ધની અણી સુધી પહોંચતાં સંયુક્ત રાષ્ટ્રને કટોકટી બેઠક બોલાવવી પડી છે.

થાઇલેન્ડના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સંઘર્ષમાં કુલ 14 લોકોના મોત થયા છે, જેમાં 13 નાગરિકો અને એક સૈનિકનો સમાવેશ થાય છે. ઉપરાંત 46 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ સુધી કંબોડિયાની તરફથી કોઈ સત્તાવાર રીતે જાનહાનિ અંગેની માહિતી આપવામાં આવી નથી.

આ હિંસા બુધવારે શરૂ થઈ હતી, જ્યારે લેન્ડમાઈન વિસ્ફોટમાં પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો અને સતત ગોળીબાર, બોમ્બ વિસ્ફોટો જેવી ઘટનાઓ થતા યુદ્ધસમાન પરિસ્થિતિ સર્જાઈ છે.

થાઇલેન્ડના આરોગ્ય પ્રધાન સોમસાકે કંબોડિયા પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે કંબોડિયાએ નાગરિક વિસ્તારો અને હોસ્પિટલોને નિશાન બનાવીને હુમલાઓ કર્યા છે. તેમણે કહ્યું, “અમે કંબોડિયન સરકારને આ હિંસા તાત્કાલિક બંધ કરવા અને શાંતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ.”

વિસ્તારમાં તણાવ વધતા સરહદી વિસ્તારોમાંથી 1 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર બન્યા છે. સંઘર્ષના પરિણામે સામાન્ય નાગરિકોના જીવનમાં પણ ભારે અસરો જોવા મળી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટની વિનંતી પર શુક્રવારે કટોકટી બેઠક બોલાવવાની જાહેરાત કરી છે. એ વચ્ચે અમેરિકા સહિતના વિશ્વના દેશોએ તાત્કાલિક શાંતિ સ્થાપિત કરવા અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.

Most Popular

To Top