Editorial

બે નઠારા પાડોશીઓને કારણે ભારતે લશ્કર પાછળ જંગી ખર્ચ કરતા રહેવું પડે છે

‘બારૂદ કે એક ઢેર પે બેઠી હૈ યે દુનિયા’ એવું આજથી દાયકાઓ પહેલાની એક ફિલ્મમાં ગવાયું હતું પરંતુ દુનિયામાં ‘બારૂદ’નો આ ઢગલો છેલ્લા દાયકાઓમાં વધતો જ ગયો છે અને છેલ્લા અનેક દાયકાઓ દરમ્યાન દુનિયાના વિવિધ દેશોનો લશ્કરી ખર્ચ પણ વધતો જ ગયો છે. હાલમાં બહાર પડેલા એક અહેવાલમાં જણાવાયું છે કે લશ્કર પાછળ વિશ્વના વિવિધ દેશો દ્વારા કરવામાં આવતા ખર્ચનો કુલ આંકડો વર્ષ ૨૦૨૧ દરમ્યાન બે ખર્વને વટાવી ગયો છે! વિશ્વમાં સૌપ્રથમ વખત લશ્કરી ખર્ચનો આંકડો આ અંકને પાર ગયો છે. આ સતત સાતમું એવું વર્ષ છે કે જ્યારે વિશ્વની વિવિધ સરકારોએ તેમના લશ્કરો પાછળનો ખર્ચ વધાર્યો છે.

આ અંદાજીત આંકડા વર્ષ 2020 મુજબનાં છે

એક બીજા પ્રત્યે અવિશ્વાસ અને શંકાના માહોલમાં અને બીજાથી શક્તિશાળી પુરવાર થવાની હોડમાં વિશ્વના અનેક દેશો પોતાનો સંરક્ષણ ખર્ચ કે લશ્કર પાછળનો ખર્ચ વધારતા જ ગયા છે. વર્ષ ૨૦૨૧માં સંરક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ અમેરિકાએ કર્યો હતો, જેના પછી ચીનનો ક્રમ આવતો હતો અને તેના પછી ભારતનો ક્રમ હતો. લશ્કર પાછળ ખર્ચની બાબતમાં આ વર્ષ દરમ્યાન યુકે અને રશિયા અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે હતા એમ સ્વીડન સ્થિત સંરક્ષણ થિંક ટેન્ક સિપ્રીનો અહેવાલ જણાવે છે. પોતાના અહેવાલમાં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ(સિપ્રી)એ જણાવ્યું છે કે ૨૦૨૧માં કુલ લશ્કરી ખર્ચ ૦.૭ ટકા વધ્યો છે અને તે ૨૧૧૩ અબજ ડોલર પર પહોંચ્યો છે એટલે કે તે બે ટ્રિલિયન કરતા વધી ગયો છે. લશ્કર પાછળ ખર્ચ કરનાર વિશ્વના ટોચના પાંચ દેશોનો જ ખર્ચ આ કુલ ખર્ચના ૬૨ ટકા જેટલો થાય છે એમ આ અહેવાલ જણાવે છે. આ સતત સાતમુ વર્ષ છે કે જ્યારે વિશ્વમાં લશ્કરો પાછળનો ખર્ચ વધ્યો છે એમ આ અહેવાલ જણાવે છે.

કોવિડ-૧૯ના રોગચાળાના સમયમાં પણ વિશ્વનો લશ્કરી ખર્ચ વિક્રમી સ્તરે પહોંચ્યો છે એમ સિપ્રીના એક સંશોધક ડો. ડીએગો લોપેઝ કહે છે. લશ્કરી ખર્ચ એક રીતે તો બિનઉત્પાદક અને નકામો ખર્ચ છે, છતાં રોગચાળા જેવા સમયમાં પણ કલ્યાણકારી કાર્યોના ભોગે પણ વિશ્વના વિવિધ દેશોએ આ ખર્ચ વધાર્યો છે તે એક કરૂણ બાબત છે. અહીં એ બાબત પણ નોંધપાત્ર છે કે ગયા વર્ષ દરમ્યાન વિશ્વમાં કુલ જેટલો લશ્કરી ખર્ચ થયો છે તેમાંથી ૬૨ ટકા ખર્ચ તો લશ્કર પાછળ સૌથી વધુ ખર્ચ કરનાર ટોચના પાંચ દેશોએ જ કર્યો છે અને દુ:ખ સાથે એ વાત સ્વીકારવી પડે છે કે આ ટોચના પાંચ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે, એક શાંતિ ચાહક દેશ એવા ભારતે પણ શસ્ત્ર દોડમાં સંડોવાવું પડ્યું છે.

વિશ્વમાં ત્રીજા ક્રમે આવેલા ભારતે ૨૦૨૧માં લશ્કર પાછળ ૭૬.૬ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. જ્યારે અમેરિકાએ આ વર્ષ દરમ્યાન ૮૦૧ અબજ ડોલરનો અને બીજા ક્રમે ચીને ૨૯૩ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો એમ સિપ્રીના આ અહેવાલ પરથી જાણવા મળે છે. લશ્કર પાછળ સૌથી વધુ ખર્ચ કરતા દેશોમાં ભારતનો ક્રમ વિશ્વભરમાં ત્રીજો આવ્યો છે. ભારતનો લશ્કરી ખર્ચ ૨૦૨૧માં વધીને ૭૬.૬ અબજ ડોલર થયો છે જે ૨૦૨૦ના તેના આંકડા કરતા ૦.૯ ટકાનો વધારો દર્શાવે છે એમ સ્ટોકહોમ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ(સિપ્રી)ના અહેવાલે જણાવ્યું છે.લશ્કર પાછળ વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ ખર્ચ કરનાર ચીને ૨૦૨૧માં લશ્કર પાછળ ૨૯૩ અબજ ડોલર ખર્ચ્યા હતા, જે ૨૦૨૦ના તેના લશ્કરી ખર્ચના આંકડા કરતા ૪.૭ ટકા વધારે ખર્ચ હતો એમ સિપ્રીનો આ અહેવાલ જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લદાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા ૨૩ મહિનાથી તનાવ ચાલી રહ્યો છે અને કેટલીક નાની અથડામણો પણ બંને દેશોના લશ્કરો વચ્ચે સર્જાઇ ગઇ છે. એકબીજા પર અવિશ્વાસના માહોલમાં આ બંને દેશો લશ્કરી ખર્ચ વધારી રહ્યા છે. આપણે અગાઉ જ કહ્યું તેમ ભારત એક શાંતિ ચાહક દેશ છે પરંતુ તેણે પણ શસ્ત્રોની અને લશ્કરી તાકાત વધારવાની ભદ્દી દોડમાં સંડોવાવું પડ્યું છે કારણ કે તેને ચીન અને પાકિસ્તાન જેવા અવળચંડા પાડોશીઓ મળ્યા છે. ખાસ કરીને ચીનને કારણે ભારતને લશ્કર પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. દુનિયામાં કેટલાયે એવા પણ નસીબદાર દેશો છે કે જેમને નઠારા પાડોશીઓ નથી મળ્યા, તેઓ પોતાના પાડોશી દેશો સાથે હળી મળીને રહે છે. આ દેશોને અન્ય કોઇ દેશ સાથે મોટી શત્રુતા નથી તેથી તેમણે શસ્ત્રો પાછળ કે લશ્કર પાછળ જંગી ખર્ચ કરવો પડતો નથી.

કેટલાક નાના દેશો એવા પણ છે કે જેમણે અમેરિકા જેવા શક્તિશાળી દેશનું શરણુ સ્વીકારી લીધું છે અને તેઓ તે દેશની છત્રછાયા હેઠળ રહે છે. જો કે આમાં કેટલીક વખત ખંડિયા દેશ જેવી સ્થિતિ પણ અનુભવવી પડે છે. ભારત આવુ કરી શકે તેમ નથી. વિશાળ વિસ્તાર અને મોટી જનસંખ્યા જોતા ભારતે પોતાની સ્વતંત્ર સંરક્ષણ વ્યવસ્થા રાખવી જરૂરી છે અને ચીન જેવા હરીફોને કારણે તેણે શસ્ત્રો અને લશ્કર પાછળ જંગી ખર્ચ કરતા રહેવું પડે છે. જો લશ્કરી ખર્ચ ઘટાડી શકાય તો ઘણા ઉત્પાદક અને કલ્યાણકારી કાર્યો પાછળ ખર્ચ વધારી શકાય, પરંતુ ભારતે પરાણે પણ લશ્કર અને સંરક્ષણ પાછળ જંગી ખર્ચ કરવો પડે છે તે એક કઠોર વાસ્તવિકતા છે.

Most Popular

To Top