Columns

માિફયાગિરી + રાજકારણ = અતીક અહેમદ

ન્કાઉન્ટર થશે’, સડક કિનારે મરેલો પડ્યો હોઈશ, આપણી બિરાદરીનો કોઈ માથાફરેલો મને મારી નાખશે….’’ આખા ઉત્તર પ્રદેશને માથે લેનારા માફિયા અતીક અહેમદના આ શબ્દો છે! અતીકને તેના અતીતને લઈને ભવિષ્ય કેવું હશે એ પહેલેથી જ ખબર હતી. અતીક અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને સ્થળ પર જ પકડી લીધા હતા. આખા દેશે અતીકની પોઈન્ટ રેન્જથી ગોળી મારીને કરાયેલી હત્યાને સોશ્યલ મીડિયા પર જોઈ. કોઈ માફિયાની લાઈવ હત્યા લોકોએ નિહાળી. આ દરમિયાન અતીક અહેમદનું એક જૂનું નિવેદન સામે આવ્યું, જે તમે ઉપર વાંચ્યું, 19 વર્ષ પહેલાંનું નિવેદન. 2004ની લોકસભા ચૂંટણી પહેલાં આપેલા ઈન્ટરવ્યૂમાં અતીક અહેમદે કહ્યું હતું કે, ‘‘એન્કાઉન્ટર થશે, સડક કિનારે મરેલો પડ્યો હોઈશ, આપણી બિરાદરીનો કોઈ માથાફરેલો મને મારી નાખશે….’’

તે સમયે ફુલપુર સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડી રહેલા અતીકે 2004ના એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. અતીક ત્યાં સુધીમાં ખૂંખાર માફિયા તરીકે ઓળખાવા લાગ્યો હતો. જો કે, તે દરમિયાન તે સ્થાનિક પત્રકારો સાથે એક નેતા તરીકે વાત કરતો હતો. આવા જ એક ઈન્ટરવ્યૂમાં અતીકને પૂછવામાં આવ્યું કે તે ગુનેગાર છે, તો તેનો અંત કેવી રીતે થશે? આના જવાબમાં અતીકે કહ્યું હતું કે, ‘‘બધા જાણે છે અંજામ શું થવાનો છે? તેને ક્યાં સુધી ટાળી શકાશે? (ચૂંટણી લડવી) એ તે માટેની જદ્દોજહદ છે.’’

આ ઈન્ટરવ્યૂમાં અતીકને જણાવવામાં આવ્યું હતું કે તે એ સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે જ્યાંથી ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ ચૂંટાયા હતા. અતીકે આ અંગે કહ્યું હતું કે, ‘’પંડિતજીની જેમ હું પણ નૈની જેલમાં રહ્યો છું. તેમણે ત્યાં પુસ્તક લખ્યું, મારે મારી હિસ્ટ્રીશીટને કારણે જવું પડ્યું.’’

એક બાજુ અતીક અહેમદની ગુનાખોરીની દુનિયાનો ખૌફ અને બીજી તરફ રાજકીય દબદબો કોઈનાથી છુપાયેલો ન હતો. હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા 100થી વધુ ગંભીર આરોપો વચ્ચે જેલમાં રહીને પણ માફિયા અતીક અહેમદ 5 વખત ધારાસભ્ય અને 1 વખત સાંસદ રહી ચૂક્યા હતો. 1989થી રાજકીય સફર શરૂ કરનાર અતીક અહેમદ BSP, અપના દળ અને સપામાં રહી ચૂક્યો હતો. અતીક એક એવો નેતા હતો જે ગુનાખોરીની દુનિયામાં હોવા છતાં રાજકારણની ગલીઓમાં પ્રવેશ્યો હતો. જો કે, રાજકારણમાં પણ તેમની બાહુબલિ ઈમેજ રહી અને તે સમયાંતરે હેડલાઈન્સમાં રહેતો હતો. અતીક અહેમદનો જન્મ વર્ષ 1962માં અલ્હાબાદમાં થયો હતો, જેને હવે પ્રયાગરાજ કહેવામાં આવે છે. કહેવાય છે કે અતીકના પિતા ફિરોઝ અહેમદ અલ્હાબાદમાં જ ટોંગા ચલાવતા હતા. ચૂંટણી પત્રિકામાં અતીકે પોતાના વિશે આપેલી માહિતી મુજબ તેણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અતીક અહેમદ સામે વર્ષ 1979માં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે અતીક સગીર હતો. જો કે, આ પછી તેની સામે ગુનાહિત કેસોનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

1992માં અલાહાબાદ પોલીસે અતીક અહેમદના કથિત ગુનાઓની યાદી બહાર પાડી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ તેમજ બિહારના ઘણા શહેરોમાં હત્યા, અપહરણ, ખંડણી વગેરેના લગભગ 4 ડઝન કેસ નોંધાયેલા છે. અતીક અહેમદ વિરુદ્ધ મોટાભાગના કેસ અલ્હાબાદ જિલ્લામાં જ નોંધાયા હતા. આટલા ગંભીર આરોપો હોવા છતાં અતીક અહેમદ રાજકારણમાં પણ સફળતાની સીડી ચડી ગયો હતો. પ્રથમ વખત તે વર્ષ 1989માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો હતો અને જીત્યો પણ હતો. અલબત્ત, દુનિયા માટે અતીક ભલે માફિયા હતો પણ તેના મતવિસ્તાર અલાહાબાદ સિટી (વેસ્ટ)ની સીટ પર અતીક પોતાની સારી ઈમેજના કારણે ઘણી વખત જીત્યો હતો. અતીક અહેમદ એક વખત અલાહાબાદની ફુલપુર સીટ પરથી સંસદસભ્ય પણ બન્યો હતો.

આ એ જ સીટ હતી જ્યાંથી પૂર્વ PM જવાહરલાલ નેહરુ એક સમયે ફૂલપુર સીટનું પ્રતિનિધિત્વ કરતા હતા. પ્રથમ ચૂંટણી જીત્યા બાદ સમાજવાદી પાર્ટી સાથે નિકટતા વધી અને અતીક અહેમદ સપામાં જોડાયો હતો. 3 વર્ષ સુધી સપામાં રહ્યા બાદ અતીક 1996માં અપના દળની સાથે જતો રહ્યો હતો. વર્ષ 2002માં અતીક અહેમદે અલાહાબાદ (વેસ્ટ) સીટ પરથી પાંચમી વખત વિધાનસભા ચૂંટણી જીતી હતી. જો કે, તેને લોકસભામાં જવું હતું અને એટલા માટે તેણે વર્ષ 2004માં ફૂલપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને લોકસભામાં પહોંચ્યો હતો. 2004 સુધી બધું બરાબર ચાલતું હતું પરંતુ અતીક અહેમદને પહેલો મોટો આંચકો 2005માં લાગ્યો હતો.

રાજુ પાલ હત્યા કેસમાં અતીક અને તેના ભાઈ સામે FIR દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2007માં UPમાં સરકાર બદલાઈ હતી અને માયાવતી UPના ચીફ મિનિસ્ટર બન્યા હતા. સત્તા જતાં સપાએ અતીકને પાર્ટીમાંથી બહાર ફેંકી દીધો હતો. બીજી તરફ માયાવતીની સરકારે અતીકને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. અતીક અહેમદે 2008માં આત્મસમર્પણ કર્યું હતું અને 2012માં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી તેણે સપાની ટિકિટ પર 2014ની લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અતીક અહેમદને વર્ષ 2019માં સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ પહેલાં તે UPની નૈની જેલમાં બંધ હતો. દેવરિયાના એક વેપારીને જેલમાં બોલાવીને ધમકી આપવા અને અપહરણ કરવા બદલ અતીક સામે કેસ નોંધવામાં આવ્યો હતો. એ પછી અતીક અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો.

અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન પણ રાજકારણમાં છે. તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2005માં બનેલી હત્યાની ઘટનાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરી, 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી. CC TV ફૂટેજની તપાસ કર્યા પછી, પ્રયાગરાજ પોલીસે આ હત્યામાં અસદ, ગુડ્ડુ મુસ્લિમ, ગુલામ અને પૂર્વ સાંસદ અને બાહુબલિ અતીક અહેમદના પુત્ર અસદની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો.

ઉમેશ પાલ 2005માં BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યા બાદ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેને રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યો હતો. રાજુ પાલ મર્ડર કેસની તપાસ CBI ને સોંપવામાં આવી ત્યારે CBI એ ઉમેશ પાલને સાક્ષી બનાવ્યો ન હતો. ઉમેશ પાલ રાજુ પાલને હોસ્પિટલ લઈ ગયો હતો. ઉમેશ પાલ 2006 થી 2012 સુધી BSP માં હતા અને ત્યાર બાદ તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. ઉમેશ પાલ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે BJPમાં જોડાયા હતા. તેઓ પ્રયાગરાજની ફાફામઉ વિધાનસભા સીટ પરથી ધારાસભ્યની ચૂંટણી લડવા માગતા હતા. રાજુ પાલ મર્ડર કેસ બાદ ઉમેશ પાલ અતીક અહેમદને ખટકતો હતો કારણ કે એ કેસમાં અતીક સામે મુખ્ય સાક્ષી હતો.

રાજુ પાલ હત્યા કેસ શું હતો એ પણ જાણી લઈએ. ઉત્તર પ્રદેશમાં 2003માં મુલાયમ સિંહ યાદવની સરકાર બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અતીક અહેમદ તે સમયે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયો હતો. 2004ની લોકસભા ચૂંટણીમાં તે સપામાંથી સાંસદ બન્યો હતો, જેના કારણે અલાહાબાદ (પશ્ચિમ) વિધાનસભા સીટ ખાલી પડી હતી. 2004માં અતીકે ત્યાંથી તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને મેદાનમાં ઉતાર્યો હતો પરંતુ તે BSP ઉમેદવાર રાજુ પાલ સામે 4,000 મતોથી હારી ગયો હતો. રાજુ પાલ પર બાદમાં ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો અને રાજુ પાલે આ માટે તત્કાલીન સાંસદ અતીકને જવાબદાર ઠેરવ્યો હતો.

અતીકથી તેમના જીવને જોખમ હોવાનું પણ તેણે વારંવાર જણાવ્યું હતું. 25 જાન્યુઆરી, 2005ના રોજ રાજુ પાલના કાફલા પર ફરી એક વાર હુમલો કરવામાં આવ્યો. તેને અનેક ગોળીઓ વાગી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ રાજુ પાલને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાકાંડમાં અતીક અહેમદ અને અશરફના નામ સામે આવ્યા હતા. અતીક અહેમદને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો અને MP-MLA કોર્ટમાં તેમની સામે 50 થી વધુ કેસોની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી રહી હતી. અતીક અહેમદના ગુનાહિત ઈતિહાસમાં 100થી વધુ કેસ નોંધાયેલા હતા. અતીક અહેમદ સામે 1996થી 50 કેસ પેન્ડિંગ છે.

ફરિયાદ પક્ષનું કહેવું હતું કે 12 કેસમાં અતીક અને તેના ભાઈ અશરફના વકીલોએ અરજીઓ દાખલ કરી હતી, જેના કારણે કેસમાં આરોપ ઘડવામાં આવ્યા નથી. અતીક અહેમદ BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યાનો મુખ્ય આરોપી હતો. CBI હવે આ મામલે તપાસ કરી રહી છે. આ વર્ષે 28 માર્ચે પ્રયાગરાજની કોર્ટે અતીક અહેમદને 2006માં ઉમેશ પાલનું અપહરણ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજુ પાલ મર્ડર કેસમાં ઉમેશ પાલ પ્રારંભિક સાક્ષી હતો પરંતુ બાદમાં કેસની તપાસ સંભાળતી CBIએ તેને સાક્ષી બનાવ્યો ન હતો.

અતીકના ભાઈ અશરફ ઉર્ફે ખાલિદ આઝમી વિરુદ્ધ 52 કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. અશરફને ઉમેશ પાલની હત્યામાં પણ આરોપી બનાવવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે ઉમેશ પાલના અપહરણ કેસના ચુકાદામાં અશરફ નિર્દોષ સાબિત થયો હતો. આ ટ્રાયલમાં અતીક અને અન્ય 2 ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. અશરફ 2005માં BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો પણ આરોપી છે અને તેનો કેસ લખનૌની CBI કોર્ટમાં ચાલી રહ્યો છે.

અશરફને બરેલી જેલમાં રાખવામાં આવ્યો હતો અને પ્રોડક્શન માટે પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. શનિવારે સાંજે જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે પણ પોલીસે તેને પૂછપરછ માટે પ્રયાગરાજ બોલાવ્યો હતો.  અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન પણ ઉમેશ પાલની હત્યા કેસમાં નામના આરોપી છે. શાઇસ્તા પરવીન વિરુદ્ધ 2009માં પ્રયાગરાજના કર્નલગંજમાં છેતરપિંડીના 3 કેસ નોંધાયા હતા, જે હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં BSP એ તેમને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ થોડા દિવસો પહેલાં માયાવતીએ તેમની ટિકિટ કાપી નાખી હતી અને જાહેરાત કરી હતી કે તેઓ અતીક અહેમદના પરિવારના કોઈ પણ સભ્યને પાર્ટીમાંથી ઉમેદવાર બનાવશે નહીં. અતીક અહેમદનો મોટો દીકરો ઉમર લખનૌના બિઝનેસમેન મોહિત જયસ્વાલના અપહરણના મુખ્ય આરોપીઓમાંનો એક છે. તેણે ઓગસ્ટ 2022માં આત્મસમર્પણ કર્યું હતું.

હકીકતમાં અતીક અહેમદ અને ઉમર પર 2018માં મોહિત જયસ્વાલનું અપહરણ કરવાનો આરોપ હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મોહિત જયસ્વાલનું લખનૌથી અપહરણ કરવામાં આવ્યું હતું, મારપીટ કરવામાં આવી હતી અને તેમની કંપનીઓને હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. CBIએ કેસની તપાસ સંભાળી ત્યારે ઉમરને ટ્રાયલમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. ઉમરે કાયદાનો પણ અભ્યાસ કર્યો છે. હાલમાં ઉમર લખનૌ જેલમાં છે અને કેસ CBI કોર્ટમાં પેન્ડિંગ છે. અલી અહેમદ અતીક અહેમદનો બીજો પુત્ર છે. તેની સામે પ્રયાગરાજમાં કુલ 4 કેસ નોંધાયેલા છે પરંતુ તેની સામેનો મુખ્ય કેસ પ્રયાગરાજમાં છેડતીને કારણે મારામારીનો છે. અલી પર પ્રયાગરાજમાં ઝીશાન નામના પ્રોપર્ટી ડીલર પાસેથી પૈસા પડાવવાનો અને ખૂની હુમલો કરવાનો આરોપ છે.

આ આરોપ હેઠળ તેની સામે રમખાણ અને હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. અલીએ જુલાઈ 2021માં પ્રયાગરાજમાં આત્મસમર્પણ કર્યું હતું અને હાલમાં તે પ્રયાગરાજની નૈની જેલમાં છે. ઉમેશ પાલની હત્યા બાદ ફરાર અતીકની પત્ની શાઇસ્તા પરવીનનો આરોપ છે કે પોલીસે તેમના 2 સગીર પુત્રોને ગેરકાયદેસર રીતે ઘરેથી ઉપાડી લીધા હતા અને તેમને ક્યાંક રાખ્યા હતા. તેણે બંને પુત્રોના નામે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેમાં તેણે પોલીસને તેના બંને પુત્રોને કોર્ટમાં રજૂ કરવાની માગ કરી હતી.

શાઇસ્તા પરવીનનો આરોપ છે કે 24 ફેબ્રુઆરીની સાંજે, પોલીસ મહિલા પોલીસ અધિકારી વિના તેના ઘરમાં બળજબરીથી ઘૂસી ગઈ અને બંને પુત્રોને લઈ જઈને કોઈ અજ્ઞાત જગ્યાએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. આ પુત્રો પૈકી 1 પુત્ર 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને બીજો પુત્ર ધોરણ 9નો વિદ્યાર્થી છે. જો કે, પોલીસે શાઈસ્તા પરવીનના આરોપોને નકારી કાઢ્યા હતા અને હાઈકોર્ટે અતીકના પુત્રોની હેબિયસ કોર્પસ અરજીને ફગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તે બાળ સુરક્ષા કેન્દ્રમાં જ છે.

Most Popular

To Top