Business

Microsoftનું સર્વર ખોટકાતા શેરબજાર ધડામ! સેન્સેક્સ 740 પોઇન્ટ તુટ્યો, રોકણકારોના 8 લાખ કરોડ ડુબ્યા

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના (Microsoft) સર્વરની ટેકનિકલ ખામીની મોટી અસર આજે ભારતીય શેરબજાર (Indian stock market) ઉપર પણ જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં આજે ઓલ ટાઈમ હાઈ લેવલથી મોટા ઘટાડા સાથે ધડામ થયો હતો. ત્યારે માઈક્રોસોફ્ટ ગ્લોબલ આઉટેજને કારણે આજે સ્થાનિક બ્રોકરેજ કંપનીઓને (Brokerage companies) પણ ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ઉચ્ચ સ્તરે મોટા પાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.91 ટકા અથવા 738 પોઇન્ટના ઘટાડા સાથે 80,604 પર બંધ થયો હતો. તે આજે 81,585.06 પર ખુલ્યો હતો. બજાર બંધ સમયે, સેન્સેક્સના 30 શેરોમાંથી, ફક્ત 4 શેર લીલા નિશાન પર હતા અને 26 લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી આજે 1.09 ટકા અથવા 269 પોઈન્ટ ઘટીને 24,530 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 4 શેર લીલા નિશાન પર અને 46 શેર લાલ નિશાન પર હતા.

રોકાણકારોને રૂ. 8 લાખ કરોડનું નુકસાન
ભારતીય શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 446.25 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 454.32 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 8.07 લાખ કરોડનું નુકસાન થયું છે.

આ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો
નિફ્ટી પેક શેર્સમાં આજે સૌથી મોટો ઘટાડો ટાટા સ્ટીલમાં 4.97 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 4.68 ટકા, બીપીસીએલમાં 3.98 ટકા, હિન્દાલ્કોમાં 3.91 ટકા, ઓએનજીસીમાં 3.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, ઇન્ફોસિસ, ITC, એશિયન પેઇન્ટ અને બ્રિટાનિયાના શેરમાં વધારો નોંધાયો હતો.

તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
ભારતીય બજેટના ફક્ત એક અઢવાડિયા પહેલા તેમજ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી મેટલમાં 3.96 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 2.78 ટકા, નિફ્ટી ઓટોમાં 2.42 ટકા, નિફ્ટી બેન્કમાં 0.76 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 25/50માં 1.17 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.26 ટકા, નિફ્ટી 21 ટકા, આઇટી, નિફ્ટી ફાર્મા 1.64 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 1.51 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.94 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 1.71 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.96 ટકા અને હેલ્થકેર 58 ટકા ઘટ્યા હતા.

Most Popular

To Top