Editorial

ખાદ્ય પદાર્થોમાં માઇક્રોપ્લાસ્ટિક્સ: એક અતિ ગંભીર સમસ્યા

આજે પ્લાસ્ટિક વગરની દુનિયાની કલ્પના કરવાનું મુશ્કેલ છે. રોજબરોજના ઉપયોગની અનેક વસ્તુઓમાં પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ વધી ગયો છે. પ્લાસ્ટિકને કારણે આપણું જીવન સરળ પણ બન્યું છે તો આ જ પ્લાસ્ટિક હવે એક મોટી સમસ્યા પણ બની રહ્યું છે. પ્લાસ્ટિકનો સૌથી મોટો દુર્ગુણ એ છે કે તે પ્રકૃતિમાં ઝડપથી ઓગળીને નષ્ટ થતું નથી જેમ કે લાકડું, લોખંડ જેવા પદાર્થો, ધાતુઓ નષ્ટ થઇ જાય છે.

આના કારણે પૃથ્વી પર પ્લાસ્ટિકનો કાટમાળ વધતો જ ગયો છે, જેની આ સ્થળે અગાઉ પણ ચર્ચા થઇ ચુકી છે. પરંતુ હવે એક નવી અને વધુ ભયંકર સમસ્યા એ ઉભી થઇ છે કે કેટલાક ખાદ્ય પદાર્થોમાં પ્લાસ્ટિકના નાના કણો આવવા માંડ્યા છે. પ્લાસ્ટિકના વધુ પડતા વપરાશને કારણે પ્લાસ્ટિક ભાંગવા, કપાવા, ઘસાવા વગેરેને કારણે હવામાં અને અન્યત્ર પ્લાસ્ટિકના નાના કણોનું પ્રમાણ પણ વધી ગયું છે અને તે હવે ખાદ્ય પદાર્થોમાં ભળવા લાગ્યા છે. હાલ એક અભ્યાસમાં એવો ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં મળતા દરેકે દરેક બ્રાન્ડના મીઠા(નમક) અને ખાંડમાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરી છે જે આરોગ્યને ઘણુ નુકસાન કરી શકે છે.

હાલમાં જ પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં જણાયું છે કે તમામ ભારતીય સોલ્ટ અને સુગર બ્રાન્ડો,  પછી તે નાની હોય કે મોટી – તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સ છે, જ્યારે અનપેકેજ્ડ મીઠા અને ખાંડમાં પણ આ કણોની હાજરી જણાઇ છે. અભ્યાસ મુજબ માઇક્રોપ્લાસ્ટિક્સનું સૌથી વધુ પ્રમાણ આયોડાઇઝ્ડ નમકમાં છે જે પ્રતિ કિલોગ્રામે ૮૯.૧૫ ટુકડા જેટલું છે જયારે ઓર્ગેનિક રોક સોલ્ટમાં આનું સૌથી ઓછું પ્રમાણ ૬.૭૦ ટુકડા પ્રતિ કિલોગ્રામ છે. આ ટુકડાઓ બારીક કણોના સ્વરૂપમાં હોય છે. ખાંડની બાબતમાં જોઇએ તો તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ૧૧.૮પથી ૬૮.૨૫ ટુકડા દર કિલોગ્રામમાં જણાયા છે જેમાં આ કણોનું સૌથી વધુ પ્રમાણ નોન-ઓર્ગનિક સુગરમાં જણાયું છે.

આમાં નોંધપાત્ર વાત એ છે કે દરેકે દરેક બ્રાન્ડ પછી તે ગમે તેટલી મોટી કેમ ન હોય? તેમાં પણ પ્લાસ્ટિકના આ કણોની હાજરી જણાઇ છે. માઇક્રોપ્લાસ્ટિક્સ ઇન સોલ્ટ એન્ડ સુગર નામનો આ અભ્યાસ પર્યાવરણ સંશોધન સંગઠન ટોક્સિક લિંક દ્વારા કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકના આ નાના કણો ખૂબ હાનિકારક બની શકે છે. તે હોર્મોન્સ  ખોરવવા, રોગપ્રતિકારક શક્તિ અને પાચનને અસર કરવા ઉપરાંત કેન્સર જેવી આરોગ્ય સમસ્યાઓ સર્જી શકે છે. ટોક્સિક્સ લિંકના સ્થાપક રવિ અગરવાલ કહે છે કે અમારા અભ્યાસનો હેતુ માઇક્રોપ્લાસ્ટિક્સ અંગેના ડેટાબેઝમાં ફાળો આપવાનો છે. વિશ્વભરની સરકારો આ સમસ્યાને ગંભીરતાથી લે તે જરૂરી છે કારણ કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ભારતમાં જ નથી વિશ્વભરમાં છે.

પ્લાસ્ટિકના આ નાના કણો હવે હવા, સમુદ્ર, જળાશયો વગેરે અનેક જગ્યાએ ફેલાઇ ગયા છે. પ્લાસ્ટિકનો ભંગાર તોડવા જેવી ક્રિયાઓથી આ કણો ફેલાય છે. તેઓ હવામાં તરતા હોય તો પણ ઘણી વાર જોઇ શકાતા નથી અને હવે તો માણસના શરીરમાં પણ તેની હાજરી જણાઇ છે. માઇક્રોપ્લાસ્ટિક્સ એ એક વધતી જતી વૈશ્વિક ચિંતાનો વિષય છે કારણ કે તેઓ આરોગ્ય અને પર્યાવરણ બંનેને નુકસાન પહોંચાડી શકે છે. આ નાનકડા પ્લાસ્ટિકના કણો ખોરાક, પાણી અને હવા મારફતે માણસના શરીરમાં પ્રવેશી શકે છે. તાજેતરના સંશોધનમાં જણાયું છે કે માણસના શરીરના અંગો જેવા કે ફેફસા, હ્દયમાં, અરે માતાના દૂધમાં અને ગર્ભમાંના બાળકમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી જણાઇ છે આ સૂચવે છે કે પરિસ્થિતિ કેટલી હદે ગંભીર બની ચુકી છે અને કેટલા તાકીદના પગલાઓ તેને હાથ ધરવા માટે જરૂરી છે.

Most Popular

To Top