Sports

આકાશના પંજાએ લખનઉને રગદોળ્યું, મુંબઇની મોટી જીત

ચેન્નાઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી એલિમિનેટરમાં સૂર્યકુમાર યાદવ અને કેમરન ગ્રીન વચ્ચેની 66 રનની ભાગીદારી અને અંતિમ ઓવરોમાં તિલક વર્મા અને નેહલ વઢેરાની ફટાફટીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે (MI) 8 વિકેટે 182 રનનો સ્કોર કરીને મૂકેલા 183 રનના લક્ષ્યાંક સામે મુંબઇના ઝડપી બોલર આકાશ મેધવાલની કાતિલ બોલિંગને પગલે લખનઉ સુપર જાયન્ટ્સનો 101 રનમાં વિંટો વળી જતાં મુંબઇએ 81 રને જીત મેળવીને ક્વોલિફાયર-2માં પહોંચી હતી. આકાશ મેધવાલે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપીને 5 વિકેટ ખેરવીને દિગ્ગજ અનિલ કુંબલેની બરોબરી કરી હતી, જેણે 2009માં આરસીબી વતી રાજસ્થાન રોયલ્સ સામે 5 રનમાં 5 વિકેટ ખેરવી હતી.

  • 5 રન આપીને 5 વિકેટ ખેરવીને આકાશ મેધવાલે દિગ્ગજ અનિલ કુંબલેની બરોબરી કરી
  • મુંબઇના 8 વિકેટે 182 રનના સ્કોર સામે લખનઉ સુપર જાયન્ટ્સનો 101 રને વિંટો વળ્યો

મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યા પછી પાવર પ્લેમાં જ મુંબઇએ બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી સૂર્યકુમાર અને ગ્રીને મળીને 66 રનની ભાગીદારી કરીને સ્કોર 104 સુધી લઇ ગયા ત્યારે નવીન ઉલ હકે પહેલા સૂર્યા અને તે પછી ગ્રીનને એક જ ઓવરમાં આઉટ કરીને તેમની રનગતિ પર અંકુશ મૂક્યો હતો. તિલક અને ટિમ ડેવિડ મળીને સ્કોર 148 રન સુધી લઇ ગયા ત્યારે યશે ડેવિડને અને તે પછી નવીને તિલકને આઉટ કર્યો હતો, જોકે અંતિમ ઓવરોમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરેલા નેહલે 12 બોલમાં 23 રન કરીને સ્કોર 182 રન સુધી પહોંચાડી દીધો હતો. લખનઉ વતી નવીન ઉલ હકે 3 જ્યારે યશ ઠાકુરે 3 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top