મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) આવતીકાલે શુક્રવારે મહત્વની મેચમાં ટેબલ-ટોપર્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા મુંબઈ ઇન્ડિયન્સની (MI) કસોટી થવાની સંભાવના છે. હાલની આઇપીએલમાં પાંચવારની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ પહેલીવનાર આશાસ્પદ દેખાઈ રહી છે. મંગળવારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચેલી મુંબઇ ઇન્ડિયન્સે 17 ઓવરમાં જ 200 રનનો લક્ષ્યાંક આંબીને જે રીતે આરસીબીને હરાવ્યું હતું તેનાથી એ સ્પષ્ટ થયું છે કે તેમની બેટિંગ કેટલી સફળ રહી છે, જો કે તેમની નેટ રનરેટ તેમના માટે મોટી સમસ્યા છે.
રોહિત શર્માની બેટીંગમાં નિષ્ફળતા છતાં મુંબઇ ઇન્ડિયન્સના અન્ય બેટરોએ અહીં વાનખેડે સ્ટેડિયમમાં બે વખત 200 અથવા તેનાથી વધુના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. જો કે, આ વર્ષે મુંબઇ માટેનો મુદ્દો રોહિતના ફોર્મ કે જસપ્રીત બુમરાહ અથવા જોફ્રા આર્ચરની ગેરહાજરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમની બોલિંગ પણ એક મોટી સમસ્યા છે, જેની સામે હરીફો મોટો સ્કોર બનાવી રહ્યા છે. છેલ્લી ત્રણ મેચમાં મુંબઇ સામે હરીફોએ 214/8, 212/7 અને 199/6નો સ્કોર બનાવ્યો છે.