અનેક વાર રજૂઆત કરવા છતાં સીડી ન બદલાતા સર્જાઈ ઘટના
વારંવાર જૂના સાધનો અને સુરક્ષા ઉપકરણોની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

કોયલી સબ ડિવિઝનમાં ગતરોજ એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લાઇન પર કામગીરી ચાલી રહી હતી ત્યારે જૂની અને ખસ્તાહાલ સીડી તૂટી પડી હતી. જેના કારણે એક લાઇનમેન અને ડ્રાઇવર બંને નીચે પટકાયા. સદનસીબે બંનેને માત્ર સામાન્ય ઈજાઓ થઇ, કોઈ મોટી જાનહાની થઈ નહીં. પરંતુ આ ઘટનાએ MGVCLની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. કર્મીઓનું કહેવું છે કે, તેઓ વારંવાર જૂના સાધનો અને સુરક્ષા ઉપકરણોની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા રહ્યાં છે, છતાં કોઈ પગલું લેવાતું નથી. ખાસ કરીને જે સીડી તૂટી તે બદલવાની વાત ઘણા વખતથી ચાલી રહી હતી, છતાં તેને ન બદલાતા આ દુર્ઘટના બની. કર્મીઓએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે લાઇનની કામગીરી કરે છે ત્યારે તેમને સલામત સાધનો અને પૂરતી સુવિધાઓ મળવી જ જોઇએ. પરંતુ કોન્ટ્રાક્ટ આધારિત વાહનોના સાધનો જૂના અને જોખમભર્યા છે. વાહન કદાચ બદલાતું હોય પરંતુ અંદરના સાધનો જેમ કે સીડી, હેલ્મેટ, સુરક્ષા બેલ્ટ વગેરે વર્ષો જૂના જ રહે છે.

અધિકારીઓને અનેક વખત લખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં, હવે કર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો પ્રશ્ન છે કે, જો આ ઘટનામાં કોઈ જીવ જતા તો તેની જવાબદારી કોણ લેત? વધુમાં ઉનાળાની શરૂઆતમાં કર્મીઓને ઠંડક માટે બોટલ અને ટોપી આપવાની વચનબદ્ધતા કરવામાં આવી હતી. પણ હવે ઉનાળો પૂરો થવાના આરે છે અને ચોમાસા નજીક છે છતાં હજુ સુધી કર્મીઓને ન તો બોટલ અપાઈ છે કે ન ટોપી. MGVCLના ઘણા કર્મીઓ કહે છે કે રોજ ગંભીર તાપમાં બહાર કામ કરવું પડે છે. જરૂરી સલામતી સાધનો અને સહાય મળતી ન હોય તો તેમનું જીવ જોખમમાં મૂકવું પડે છે. હવે પ્રશ્ન એ છે કે, જ્યારે કર્મીઓની જીવરક્ષણ માટેની માંગણીઓની અવગણના થતી હોય તો કર્મીઓ બીજી આશા શું રાખે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે.

કોયલી કાંડ બાદ MGVCLના નાનાં કર્મચારીઓની સુરક્ષા પર સવાલ
MGVCL માં ફિલ્ડ પર સૌથી વધુ કામગીરી નાના કર્મીઓના ભાગે આવતી હોય છે. આ કર્મીઓને બારે માસ ફિલ્ડ પર ગમે તેવી પરિસ્થીમાં કામગીરી કરવાની રહેતી હોય છે. અધિકારીઓને માત્ર દિશા નિર્દેશ આપવાના હોય છે. પરંતુ કર્મીઓની વેદના સંભાળવામાં ક્યાંક અધિકારીઓ ઉના ઉતર્યા હોય તેવો ઘાટ કોયલીની ઘટના પરથી પ્રકાશમાં આવ્યો છે. નાના કર્મીઓની સુરક્ષાની જવાબદારી નક્કી થાય તે માટે આ કર્મીઓ માંગ કરી રહ્યા છે અને આવનાર સમયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ઉપયોગમાં લેવાતા સાધનોનું તાત્કાલિક નિરીક્ષણ થાય અને બદલાવા જેવા તાત્કાલિક બદલાય તેવી માંગ કર્મીઓની છે.

