Gujarat

મનરેગાના શ્રમિકોના દૈનિક વેતનમાં દૈનિક 17 રૂપિયાનો વધારો કરાયો : રાઘવજી પટેલ

ગાંધીનગર : મનરેગા યોજના (MGNREGA Scheme) હેઠળ ગ્રામ્ય કક્ષાએ બિનકુશળ શ્રમિકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાત (Gujarat) માટે દૈનિક વેતન દર રૂપિયા ૨૩૯થી વધારીને ૨૫૬ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦.૧૮ લાખ કુટુંબોએ ૪૫૮.૯૨ લાખ માનવદિનની રોજગારી મેળવી છે.

ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ ગ્રામ્યકક્ષાએ શ્રમિકોને વધુ વેતન મળે અને તેમના જીવન ધોરણમાં સુધારો આવે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં શ્રમિકોના વેતનદરમાં વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાત માટે દૈનિક વેતન દર રૂપિયા ૨૩૯થી વધારીને ૨૫૬ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૨-૨૩ અંતર્ગત ૧,૪૪,૩૮૨ આવાસો મંજૂર કરાયા છે. વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં કુલ ૪,૦૨,૮૨૪ આવાસ પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રૂા. ૧ લાખ ૨૦ હજાર ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજૂરીના સમયે આપવામાં આવે છે. ત્યારબાદ મકાનના પાયા, પ્લીન્થ, લીંટલ, છત અને પૂર્ણતાના આધારે બીજો હપ્તો અને ત્રીજો હપ્તો ચુકવવામાં આવતો હોય છે. હાલમાં પ્રથમ હપ્તા તરીકે ૩૦ હજાર આવાસ મંજૂર થયેથી, બીજા હપ્તા તરીકે ૫૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી, ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૪૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચૂકવવામાં આવે છે. બાકી રહેલા તમામ આવાસો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને જરૂરી ખર્ચ પણ ઝડપથી થાય તે રીતે કામગીરી ચાલી રહી છે. જેથી કરીને બીજા અને ત્રીજા હપ્તાની રકમમાં ફેરફાર કરી બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવા અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરતા તેમણે ગુજરાતની રજૂઆતને ગ્રાહય રાખી છે. જેથી આવાસની મંજૂરી સમયે પ્રથમ હપ્તો ૩૦ હજાર, બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવામાં આવશે.

Most Popular

To Top