સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સરથાણાથી ડ્રીમ સિટી (Sarthana dream city) સુધીના રૂટનું કામ ચાલુ થઇ ચૂક્યું છે. તેમાં પણ કાપોદ્રાથી મકકાઇપુલ સુધીના અંડર ગ્રાઉન્ડ રૂટ માટે સોઇલ ટેસ્ટિંગ અંતિમ તબક્કામાં છે.
અંડર ગ્રાઉન્ડ ખોદાણ માટે ટનલ બોરિંગ મશીન પણ સુરતમાં આવી ચૂક્યું છે અને અલગ અલગ ભાગમાં આવેલા આ મશીનને એસેમ્બલિંગ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે હવે મેટ્રો રેલ કોર્પોરેશન માટે સૌથી મહત્વના એવા હેડકવાટર અને મેટ્રો રિલેટેડ તમામ ઓફિસો માટે મેટ્રો ભવન (Metro bhavan) બનાવવા માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અલથાણ કેનાલ નજીકની જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી છે. અલથાણ વિસ્તારમાં બનનારૂં આ મેટ્રો ભવન વિશાળ અને તમામ આધુનિક સુવિધાઓથી સજજ હશે. આ મેટ્રો ભવન માટે સુરત મનપા પાસે જમીનની માંગણી કરવામાં આવી હોય જમીન ફાળવણી માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.
મેટ્રો રેલના બે રૂટ સરથાણાથી ડ્રીમ સિટી અને સારોલીથી ભેંસાણ બંને માટે અલથાણ નજીક પડે તેમ છે. તેથી અલથાણ કેનાલ ખાતેની આ જમીન પર મેટ્રો ભવન બને તો તમામ કામગીરીનું સંચાલન સરળતાથી થઇ શકે તેવા આશયથી અલથાણની ટી.પી. 37ના ફાયનલ પ્લોટ નંબર 131 વાળી ડિસ્ટ્રિક સેન્ટર માટેની રિઝર્વ જગ્યા પસંદ કરવામાં આવી છે. સ્થાયી સમિતિની ગત અઠવાડીયે મળેલી મીટિંગમાં ભેંસાણમાં ડેપો અને કમ વર્કશોપ બનાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને 165941 ચોરસ મીટર જમીન ફાળવવાનો ઠરાવ થઇ ચૂકયો છે. ત્યારે હવે મેટ્રો ભવન માટે પણ જગ્યા આપી દેવામાં આવશે.
મેટ્રો ભવન માટે ફાળવવામાં આવનારી જગ્યાની હાલની બજાર કિંમત 35થી 40 કરોડ
મનપાની જમીન અન્ય કોઇ વિભાગ કે ત્રાહિત વ્યકિતને ફાળવવાની થાય ત્યારે તેની લીઝ તેમજ કિંમત, વનટાઇમ પ્રિમિયમ, વાર્ષિક ભાડું વિગેરે કલેકટર અને મ્યુનિ.કમિ. સહિતના અધિકારીઓની બનેલી કમિટી નકકી કરે છે. મેટ્રો ભવન માટે મનપાની જે સોનાની લગડી જેવી જમીન માંગવામાં આવી છે તે અલથાણ કેનાલની એકદમ નજીકની જમીન હોય, અહી બજાર કિંમત જે 60થી 65 હજાર પ્રતિ ચોરસ મીટર બોલાય છે. તે જોતાં અહી 6542 ચોરસ મીટર જમીન આશરે 35થી 40 કરોડની થાય છે.
જોકે સુરતના મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે જમીન આપવાની થતી હોય તો સુરત મનપા માટે આ કિંમત મહત્વની રહેતી નથી. ત્યારે હવે શાસકો સમક્ષ આ દરખાસ્ત મુકાયા બાદ શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.