વિશ્વવિખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સી તેમના ભારત ટુરના અંતિમ તબક્કા માટે આજે 15 ડિસેમ્બર સોમવારે દિલ્હી પહોંચશે. ત્રણ દિવસીય ‘GOAT ઈન્ડિયા ટૂર’ દરમિયાન મેસ્સીએ કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હવે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમો સાથે તેમનો ભારત ટુર પૂર્ણ થવાનો છે.
મળતી માહિતી મુજબ લિયોનેલ મેસ્સી સવારે 10:45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પરથી તેઓ સીધા શહેરની એક હોટલમાં જશે. જ્યાં લગભગ 50 મિનિટ સુધી મુલાકાત અને શુભેચ્છા સત્ર યોજાશે. ત્યારબાદ મેસ્સી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને પહોંચશે. જ્યાં બંને વચ્ચે લગભગ 20 મિનિટની મહત્વપૂર્ણ મુલાકાત થશે. આ બેઠકને ભારત-આર્જેન્ટિના રમતગમત અને સાંસ્કૃતિક સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ મેસ્સી એક સાંસદના નિવાસસ્થાને યોજાનારા વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે. અહેવાલો અનુસાર આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તેમજ ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો ઓગસ્ટિન કુસિનો હાજર રહેશે.
આ ઉપરાંત ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને એનસિપીનાં નેતા પ્રફુલ્લ પટેલ પણ આ બેઠકમાં હાજર રહે તેવી સંભાવના છે. કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાશે.
VVIP મુલાકાતો પૂર્ણ થયા બાદ મેસ્સીનો કાફલો ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ તરફ રવાના થશે. અહીં બપોરે 3:30 વાગ્યે મેસ્સી સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. સ્ટેડિયમમાં તેમના સ્વાગત માટે વિશેષ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ મેસ્સી એક નાના ફૂટબોલ મેદાન પર જશે. જ્યાં ભારતીય હસ્તીઓ વચ્ચે રમાતી મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લેનાર ખેલાડીઓને મળશે. મેસ્સી ખેલાડીઓ સાથે ગ્રુપ ફોટો પણ પડાવશે.
આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ લિયોનેલ મેસ્સી સીધા એરપોર્ટ માટે રવાના થશે. જે સાથે તેમનો ભારત પ્રવાસ સત્તાવાર રીતે પૂર્ણ થશે.