ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો પ્રારંભ ભારેથી અતિભારે વરસાદથી થયો. સમગ્ર રાજ્યનાં અનેક શહેરો અને ગામડાઓના નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થયા. આ વરસાદની માહોલમાં આજથી પૂરાં ચાર દાયકા પહેલાનું ગ્રામ્ય જીવન ચોમાસું અને અમારું શૈશવ-સ્મૃતિપટ પર આવી પહોંચ્યું! સુરત જિલ્લાના મહુવા તાલુકા મથકથી પશ્ચિમમાં સાત કિ.મી. દૂર આવેલું, અમારું ગામ ધોળીકુઈ તેની ચારે બાજુએ ખાડીઓ ધરાવે છે. તે સમયે થતાં ધોધમાર વરસાદ થકી આ ખાડીઓમાં વારંવાર પૂર આવતાં. નજીકના ગામો તથા મહુવા, બારડોલી તેમજ નવસારી જેવા શહેરો સાથેનો ગામનો સંપર્ક તૂટી જતો. ચારેય બાજુએ પાણી ભરાતા ગામ જાણે કે એક નાનકડો ‘ટાપુ’ બની રહેતું! ગામનાં યુવાનો તથા વડીલો કોલેજ કે નોકરી ધંધા પર જઈ શક્તા નહિ.
ગામની પ્રાથમિક તથા માધ્યમિકશાળાઓમાં શિક્ષકો આવી શક્યા નહિ પરિણામે અમસૌને ચાર-પાંચ દિવસનું મિની વેકેશન મળી જતું. ગામના પશુપાલકો શહેરમાં દૂધ મોકલી શકતા નહિ. આથી આ દિવસો દરમિયાન લગભગ બધા જ ઘરોમાં દૂધની વિવિધ વાનગીઓ બનતી. અમે સૌ ટાબરિયાઓ ખાડીના પાણીની ચડ-ઊતર જોવા પહોંચી જતાં તથા ભારે કે અતિભારે વરસાદની તેમજ ખાડીઓનો કેટલો કિનારો ડૂબી જશે તેની બાળસહજ આગાહીઓ કરતાં. વરસાદ થોડો વિરામ લેતા સૌ કબડ્ડી, ખોખો, મંજી, ભમરડાં, ગિલ્લીદંડા, આટા-પાંટા, લંગડી, ચલક-ચલાણી, પક્ડદાવ જેવી રમતોની રમઝટ જમાવતા. આજે તો ચારેય દિશામાં ખાડીઓ પર મોટા-ઊંચા પુલ બંધાય ચૂક્યા છે.
ગમે તેવા વરસાદમાં પણ અમારું ગામ અન્ય ગામડાઓ તથા શહેરો સાથેનો સંપર્ક જાળવી શકે છે. ગામડાંની દેશી રમતોને સ્થાને અત્યારના બાળકો અને યુવાનો મોબાઈલ તથા ટી.વી.માં કલાકો સુધી મશગૂલ રહે છે! એ જોતા વિચાર આવે છે કે ક્યાં વર્ષો પૂર્વેનું અમારું મુક્ત રમતો ધરાવતું બાળપણ? અને ક્યાં અત્યારના બાળકોનું ટી.વી. અને મોબાઈલની બંધિયાર રમતો ધરાવતું બાળપણ? દર વર્ષનું ચોમાસું વરસાદની સાથે-સાથે અમારાં જેવા અનેક સમયવયસ્કો માટે શૈશવના સુમધુર સંસ્મરણો પણ લેતું આવે છે.
સુરત – પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકારી અને બેન્કોની નોકરીમાં વયમર્યાદા વધારો
દેશમાં છેલ્લા એક દાયકાથી સરકારી સંખ્યા, પોસ્ટ અને બેંકોની નવી જગ્યાઓ માટેની જાહેરાત જોવા મળતી નથી અને જાહેરાત આવે છે તે પણ ખૂબ જ અલ્પ સંખ્યામાં ભર્તી કરવાની હોય છે. જેથી મોટી સંખ્યામાં ગ્રેજ્યુએટ થયેલા નોકરી ઇચ્છુક ઉમેદવારને જૂની વયમર્યાદા 28 વર્ષ જે વર્ષોથી ચાલે છે. જેને પરિણામે વયમર્યાદા પુરી થઇ જતા પરીક્ષાઓ આપી શકતા નથી. જે ખૂબ જ દુભાગ્યપુર્ણ બાબત છે. આ મુદ્દો કોઇ પણ શહેરના કોર્પોરેટર કે રાજ્યની ધારાસભ્ય કે દેશના સંસદ સભ્યોએ રજૂ કર્યો નથી. જે ખૂબ જ દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ અંગે વર્તમાન સરકારે દેશના યુવાનોને નોકરી માટે વધુ તકો મળે એ માટે મયમર્યાદા આ સુધારો કરી નવી વયમર્યાદા 35 વર્ષ કરવી જોઇએ. જે દેશના યુવાનો માટે પ્રોત્સાહક અને આશાભર્યું નિર્ણય પુરવાર થશે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.