ગાંધીનગર : મહેસાણામાં રમેશ નામના વૃદ્ધની ડિજીટલ ધરપકડ કરીને તેમની પાસેથી 66 લાખનો તોડ કરવાનો પ્રયાસ મહેસાણા સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. સાયબર માફિયાઓએ વૃદ્ધને મુંબઈમાં તેમના નામે એકાઉન્ટ છે તેમાંથી પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ થઈ રહ્યું છે અને તમારા નામનું ધરપકડ વોરંટ નીકળ્યું છે કહીને ડરાવ્યા હતા. તેથી વૃદ્ધે ફિકસ ડિપોઝીટ તોડાવીને રૂપિયા ભેગા કર્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે સમયસર પહોંચીને સાયબર ગઠીયાઓના કારસાને નિષ્ફળ બનાવી વૃદ્ધને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા.
મહેસાણામાં રહેતા રમેશ 12 ડિસેમ્બર, 2025ના રોજ ફોન આવ્યો હતો. સાયબર માફિયાએ ફોન પર કહ્યું કે, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે. ત્યારબાદ તમારો ફોન બીજા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાય છે એવું કહ્યું હતું. તમારા નામે મુંબઈમાં એક સીમકાર્ડ ચાલુ છે અને તમારા આ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે.તમારૂ સીમકાર્ડ મુંબઈની કેનેરા બેન્કના એક એકાઉન્ટમાં પણ કનેક્ટેડ છે. એકાઉન્ટમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુકે અને યુએસએમાં આતંકવાદી માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એકાઉન્ટનો ઉપયોગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ માટે થઈ રહ્યો છે. ગઠિયાઓએ ધરપકડ વોરંટ નીકળ્યું હોવાની ધમકી આપી વીડિયો કોલ દ્વારા સતત 9 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખ્યા હતા. ધરપકડ વોરંન્ટ રદ કરવા 66 લાખ માંગવામાં આવ્યા હતા. ત્યાર પબાદ રમેશ પોતાની બેન્કમાં રહેલી ફિકસ ડિપોઝીટ તોડીને 66 લાખ ભેગા કર્યા હતા. જો કે રૂપિયા ટ્રાન્સફર કરતાં પહેલા પોલીસને જાણ કરી હતી. એવામાં મહેસાણા સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આવી હતી. પોલીસે વીડિયો કોલ કાપીને તેમને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા.