SURAT

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદ

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી મેઘમહેર યથાવત્ રહી છે. આજે તા.19 સપ્ટેમ્બર બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને લિંબાયત ઝોનમાં માત્ર એક કલાકમાં સાડા ચાર ઇંચ 114 મિમી વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભારે વરસાદને પગલે શહેરના પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા અને સિટીલાઈટ જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભવું પડ્યું હતું.


સવારના બફારા અને ઉકળાટ બાદ વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે અગાઉથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ સુરતમાં મેઘમહેર જોવા મળી. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે નાગરિકોને ગરમીમાંથી રાહત આપી છે. પરંતુ કામ અર્થે બહાર નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

સુરતમાં છેલ્લાં એક કલાકમાં પડેલો વરસાદ ઝોન મુજબ:

સેન્ટ્રલ ઝોનમાં 11 મિમી, રાંદેરમાં 8 મિમી, કતારગામમાં 28 મિમી, વરાછા-એમાં 10 મિમી, વરાછા-બીમાં 22 મિમી, લિંબાયત ઝોનમાં 114 મિમી, અઠવામાં 1 મિમી અને ઉધના ઝોનમાં 0 મિમી વરસાદ નોંધાયો હતો.

વરસાદી માહોલના કારણે શહેરમાં ઠંડક સાથે જ માર્ગ વ્યવહાર પર મોટો પ્રભાવ જોવા મળ્યો છે. નાગરિકો હવે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર હવામાન વિભાગની આગાહી પર નજર રાખી રહ્યા છે.

Most Popular

To Top