Columns

મળો, આ મિસ્ટર સુપર ડફોળને…!

ઈશિતા’ ને એક વાત વાંચવી-લખવી બહુ ગમે અને એ છે લલ્લુ- મૂરખ-બેવકૂફ તથા સો ટચના સોના જેવા ડફોળ…! બુદ્ધિના બારદાન એવા ડફોળ ‘ઈશિતા’નાં પ્રિય પાત્ર છે. ‘ઈશિતા’ હંમેશાં આવાની શોધમાં જ રહે છે પણ ન જાણે કેમ આવા ઊંચી નસ્લના જાતભાતના -નવી કુળના ડફોળ આજકાલ સહજતાથી મળતા નથી. આવા ‘માલ’ ની જાણે માર્કેટમાં અછત વર્તાય છે…. ખેર, વાચકોના લાભાર્થે ‘ઈશિતા’ આવા એક ઉમદા લલ્લુ અર્થાત ડફોળને શોધી લાવી છે. વાત દક્ષિણ આફ્રિકાની છે. ત્યાંના મપુમલંગા પ્રોવિન્સ – નગરમાં થોમસ એન્ગ્કોબો નામનો એક શખ્સ રહે. એક હાર્ડવેર કંપનીમાં જોબ કરે.

કામકાજે ઠીક. એક દિવસે એ ઑફિસે આવતો બંધ થઈ ગયો. 2-4 દિવસ રાહ જોઈને કંપનીએ એ જ્યાં રહેતો હતો ત્યાં તપાસ કરાવી. પેલાનો અત્તોપત્તો ન મળ્યો એટલે કંપનીએ એની શોધ માંડી વાળી. એકાદ મહિના પછી કંપનીવાળાને ખ્યાલ આવ્યો કે 1000 પાઉન્ડથી વધુનો હાર્ડવેર માલ જ્યાં ડિલિવર કરવાનો હતો એના બદલે પેલા થોમસે માર્કેટમાં કોઈ ભળતી જગ્યાએ એ વેચી મારી રોકડ લઈને અલોપ થઈ ગયો હતો! માલના લાખેક રૂપિયા રોકડ સાથે લાપતા થોમસની પોલીસે તપાસ માંડી. 5-6 વર્ષ સુધી ભાળ ક્યાંય ન મળી એટલે એની કેસ-ફાઈલ અભેરાઈએ ચઢી ધૂળ ખાતી થઈ ગઈ….
હવે કહાની મેં ટવિસ્ટ……
પોલીસખાતામાં નવી ભરતી માટે આવેલી અરજીઓની તપાસ ચાલતી હતી, જે ઉમેદવાર ઠીક લાગતા હતા એમને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા. બીજાની સાથે એક શખ્સ પણ આવ્યો હતો. ઈન્ટરવ્યૂમાં પણ સારો દેખાવ કર્યો. એની વરણી કરતા પહેલાં એની અન્ય વિગતો તપાસવામાં આવી ત્યારે ડિજિટલ રેકોર્ડસ મુજબ તો એ 6-7 વર્ષથી ‘લાપતા’ હતો! વધુ ચકાસણી થઈ ત્યારે પોલીસને જાણ થઈ કે આ તો એ જ બધું છે જે રોકડ રકમ ગુપચાવવાના એક ગુના હેઠળ ‘વૉન્ટેડ’ છે! પછી તો કાયદાએ કાયદાનું કામ કર્યું પણ આ ભાગેડુને એટલી પણ અક્કલ નહોતી, ચોરી કર્યા પછી પોલીસ જ તમને શોધતી હોય ત્યારે પાછી પોતાના જ અસલી નામે પોલીસમાં જ જોબ માગવા ન જ્વાય.
આને કહેવાય ‘સુપર-ડુપર ડફોળ!’

વધુ પડતી ચાલાકી આડી ફાટે ત્યારે……
લલ્લુ – બેવકૂફ- મૂરખ- અક્ક્લના ઓથમીર ઉર્ફે ડફોળની વાત ‘ઈશિતા’એ કાઢી જ છે ત્યારે ચાલો, અન્ય એક મૂરખના જામને પણ મળી લઈએ…. આ કમ-અક્કલ દેશી છે અને આમચી મુંબઈનો છે. આમ છતાં એ અને એનો સાથીદાર લૂંટ-ઘરફોડી-ઉઠાંતરીમાં કાબેલ છે. તાજેતરમાં જ્યાં હાથ મારવાનો હતો એ શિકારનો અને આસપાસના સ્થળ-માહોલ વગેરેની રેકી-અભ્યાસ કરી લીધા પછી યોજના મુજબ પરાની એક જાણીતી જ્વેલરી શોપ પર નિયત રાતે ત્રાટકયા. આ બે જણની ટોળકીનો એક ભેરુસિંહને ધાડ પાડી તે ઝવેરાતની દુકાન વિશે લગભગ બધી જ માહિતી હતી કારણ કે એ અહીં અગાઉ 3-4 મહિના નોકરી કરી ચૂક્યો હતો એટલે જ્વેલરી શોપમાં પાછળથી બારી તોડી ક્યાંથી પ્રવેશવુંથી લઈને દુકાન બંધ થાય ત્યારે બધો માલ-રોકડ કયાં રાખવામાં આવે છે અને CC કેમેરા ક્યાં ચાલુ હોય છે એ બધી જાણકારી અનુસાર એમણે ધાડ પાડી અને આશરે 46 લાખનાં ઘરેણાં-રોકડ રૂપિયાનો દલ્લો લઈ એ બન્ને રાજસ્થાન રવાના થઈ ગયા. એ બન્ને એટલા ચાલાક ખરા કે લૂંટ વખતે એમણે શોપના CC કેમેરા બંધ કરવા ઉપરાંત પોતાના સેલ ફોન પણ ઑફ કરી દીધા હતા.

આ તરફ, શોપના કેમેરામાંથી કંઈ ન મળતા, પોલીસે શોપ આસપાસના કેમેરા ચકાસ્યા તો એમાં પેલો ભેરુસિંહનો ચહેરો દેખાયો, જેને શોપમાલિકે ઓળખી લીધો પછી તો પોલીસ ટીમ એના ગામે પહોંચી તો અહીં પણ પોલીસ કરતાં ચોર ટોળકી વધુ ચાલાક નીવડી. પોતાને ગામ જવાને બદલે ભેરુસિંહ અને એનો સાથીદાર ગામ નજીકનાં શહેરોની વિભિન્ન હોટલ-ધર્મશાળામાં છુપાઈને રહેતા હતા. 10-12 દિવસ આમ ચોર-પોલીસ વચ્ચે ઉંદર-બિલ્લીનો ખેલ ચાલ્યો. આખરે કંટાળીને પોલીસ મુંબઈ પરત થઈ ગઈ. આ જાણીને પેલા બન્ને લૂંટારુઓએ એમના સેલ ફોન ઑન કર્યા ને બસ, એની સાથે જ એ જે ગુપ્ત જગ્યાએ લપાયા હતા ત્યાં મુંબઈ પોલીસ પ્રગટી…! ‘પોતે મુંબઈ પાછા ગયા છે’ એવા સમાચાર ફેલાવીને ચબરાક પોલીસે લૂંટારુઓને માલ-મત્તા સાથે રંગે હાથ ઝડપી લીધા!
વધુ પડતી ચાલાકી કરવા જાવ તો આમ જ ડફોળ ઠરો…!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
પ્રાઈવેટ ટેકસી એટલે કે ‘ઉબર’ અને ‘ ઓલા’ કે ‘મેરુ’ કે પછી ‘સવારી’ જેવી બીજી અનેક એજન્સી આપણા મોટા ભાગનાં શહેરોમાં પોતાની કાર ભાડેથી દોડાવે છે. પોતાની અંગત કાર વસાવવી એના કરતાં તો આવી ઉપયોગી અને કિફાયતી દરે કાર વત્તા ડ્રાઈવરની સેવા લેવી વધુ સારી એવું આજે લોકો માનતા થઈ ગયા છે. આમ છતાં આવી સેવા ઉપલબ્ધ હોવા છતાં પેલી ‘કાલી-પીલી’ અર્થાત પરંપરાગત ટેક્સીનું પણ આગવું આકર્ષણ લોકોમાં ઓછું નથી. ‘ઓલા’ –‘ઉબર’ જેવી સર્વિસની સરખામણીએ ‘કાલી-પીળી’ ઘણી જુનવાણી છે અને આમચી મુંબઈ જેવા મહાનગરમાં એની ખપત-વપરાશ જે ઝડપથી ઘટી રહ્યો છે એ ‘ખાલી-પીલી’ના ચાહકો માટે દુખદ આંચકો છે.

એક સર્વે મુજબ: કોવિડના પ્રારંભ પહેલાં 2019ની સાલમાં આવી ટેક્સીની સંખ્યા હતી 48,૦૦૦ જે મહામારીને લીધે એ ગાળામાં ઘટીને આજે 2022 માં એની સંખ્યા માત્ર 18 હજાર જ રહી ગઈ છે. બીજા શબ્દોમાં કહો તો આડકતરી રીતે 30 હજાર ટેકસીને કોવિડ ભરખી ગયું…! મહારાષ્ટ્ર – સતારાના આ સમાચાર વાંચીને અફસોસ કરવો કે હસવું એ તમે નક્કી કરજો. એક પ્રેમી એની પ્રેયસીને ગુપચૂપ મળવા બુરખો પહેરીને ગયો પણ પ્રેયસીની ઘરની આસપાસના લોકોએ એને બાળચોર સમજીને સજ્જડ ધીબેડી નાખ્યો. પાછળથી ખબર પડી કે એ બાળચોર નહોતો. એથી વધુ બધાને આંચકો એ લાગ્યો કે પેલો પ્રેમી અને એની પ્રેમિકા તો બન્ને પહેલેથી બીજે પરણેલાં હતાં!

ઈશિતાની એલચી *
આવેલું તોફાન શમી જાય પછી જ ખબર પડે કે
પાણીમાં કપડાં વગર કોણ તરી રહ્યું છે…!!

Most Popular

To Top