દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G20 સમિટ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વૈશ્વિક પડકારો અને ભવિષ્યના સહકાર પર ચર્ચા કરી. મેક્રોને ભારત-ફ્રાન્સ મિત્રતાને અતૂટ ગણાવી અને દેશોની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.
G20 સમિટના બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ખાસ મુલાકાત થઈ. મેક્રોન પીએમ મોદીને જોઈ તરત જ તેમની પાસે પહોંચ્યા અને બંને નેતાઓએ હાથ મિલાવ્યું. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય મુદાઓથી લઈને વૈશ્વિક પડકારો સુધી અનેક વિષયો પર ચર્ચા થઈ.
પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સાથેના ફોટા શેર કરતાં લખ્યું “જોહાનિસબર્ગમાં રાષ્ટ્રપતિ મેક્રોને મળવાનો આનંદ થયો. અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉપયોગી ચર્ચા થઈ. ભારત-ફ્રાન્સ મિત્રતા વૈશ્વિક હિત માટે એક મજબૂત બળ છે.”
તેમજ મુલાકાત બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પણ પીએમ મોદીનો આભાર માનતા જણાવ્યું “આભાર મારા મિત્ર. જ્યારે રાષ્ટ્રો સાથે ચાલે છે ત્યારે તેઓ વધુ મજબૂત બને છે. આપણાં બે દેશો વચ્ચેની મિત્રતા હંમેશાં ટકી રહે”
આપત્તિ વ્યવસ્થાપન પર પીએમ મોદીની ચિંતા
G20 સમિટના બીજા સત્રમાં પીએમ મોદીએ કુદરતી આફતો વિષે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું “કુદરતી આફતો આખી દુનિયા માટે મોટો પડકાર બની રહી છે. આ વર્ષે પણ લાખો લોકો પર તેનો પ્રભાવ પડ્યો છે. આવા સમયમાં બધા દેશોએ સાથે મળી આપત્તિ સામે તૈયારી અને પ્રતિભાવ માટે સહકાર વધારવો જરૂરી છે.”
ભારત-ફ્રાન્સ મિત્રતા મજબૂત બની
આ મુલાકાત પછી સ્પષ્ટ છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી માત્ર રાજનૈતિક નથી પણ બંને દેશો વૈશ્વિક પડકારોને પહોંચી વળવા સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. મેક્રોનનું “આપણી મિત્રતા અમર રહે” નિવેદન બંને દેશોના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવે છે.