World

ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આજે રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ પર અચાનક ગોળીબાર શરૂ થયો હતો. જેના કારણે વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આ ગોળીબારમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં ભાગતા નજરે પડ્યા હતા.

બોન્ડી બીચ હુમલા બાદ, વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ હુમલો યહૂદી નાગરિકોને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરોએ જાણી જોઈને યહૂદી પવિત્ર તહેવારનો દિવસ પસંદ કર્યો. દરમિયાન ઓસ્ટ્રેલિયન સુરક્ષા અને ગુપ્તચર સંગઠન (ASIO) ના વડા માઇક બર્ગેસે જણાવ્યું હતું કે દેશમાં આતંકવાદી હુમલાનો ખતરો યથાવત છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે 14 ડિસેમ્બર રવિવારે બપોરના સમયે બોન્ડી બીચ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ દરમિયાન અચાનક ગોળીબારના અવાજો સંભળાયા. લોકો શરૂઆતમાં કંઈ સમજી શક્યા નહીં પરંતુ થોડી જ વારમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. ઘણા લોકો બીચ છોડીને નજીકની ઇમારતો અને દુકાનોમાં આશ્રય લેવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બોન્ડી બીચ અને તેની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો હતો. લોકોને ત્યાંથી દૂર રહેવા અને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ઘટનાસ્થળે સતત અનેક ગોળીબારના અવાજો સંભળાયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગોળીબાર બહુ ઝડપથી થયો અને લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં લોકો દોડતા અને પોલીસની સાયરન સંભળાતી દેખાય છે.

આ ઘટનાને લઈને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના કાર્યાલયે નિવેદન જાહેર કર્યું છે. તેમાં જણાવાયું છે કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સક્રિય છે. વડા પ્રધાન કાર્યાલયે લોકોને પોલીસની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન માઇકલ વોન આ હુમલામાં માંડ માંડ બચ્યા
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ વોન આ હુમલામાં માંડ માંડ બચી ગયા. તેમણે એક રેસ્ટોરન્ટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. તેમણે સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કરી. વોને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “બોન્ડીમાં એક રેસ્ટોરન્ટની અંદર ફસાઈ જવું ભયાનક હતું. હું હવે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયો છું. આતંકવાદીઓનો સામનો કરનારા ઇમરજન્સી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. આ ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે મારી સંવેદનાઓ છે.”

બોન્ડી બીચ પર થયેલા ગોળીબારમાં એક વ્યક્તિ હીરો બની ગયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓસ્ટ્રેલિયામાં એક નાગરિક ગોળીબાર દરમિયાન પાછળથી એક બંદૂકધારી પર હુમલો કરે છે, તેની પાસેથી બંદૂક છીનવી લે છે અને તેની તરફ ઈશારો કરે છે. લોકો આ વ્યક્તિને વાસ્તવિક જીવનનો હીરો કહી રહ્યા છે. વીડિયોમાં એક હુમલાખોર સતત બંદૂક ચલાવતો દેખાય છે ત્યારે આછા વાદળી રંગની ટી-શર્ટ પહેરેલો એક માણસ દેખાય છે અને તેને પાછળથી પકડી લે છે, જેના કારણે હુમલાખોર પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, બંદૂક છોડી દે છે અને જમીન પર પડી જાય છે. પછી તે વ્યક્તિ હુમલાખોર પર બંદૂક તાકે છે.

Most Popular

To Top