SURAT

સુરત ના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ, પ્લાયવુડ ગોડાઉન સળગ્યું

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા નવજીવન સર્કલ નજીક નવસર્જન સોસાયટી સ્થિત એક પ્લાયવુડના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાયવુડ સંગ્રહિત હોવાના કારણે આગ ઝડપથી વિકરાળ બની હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ફાયર અધિકારી ના જણાવ્યા મુજબ, પ્લાયવુડના ગોડાઉનમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ગોડાઉનના માલિકે તાત્કાલિક સ્થળ પર ઉપલબ્ધ ફાયર સેફ્ટી સાધનોની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ પર કાબુ ન મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

નવજીવન, ભટાર સહિત ચાર ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. કુલ ૧૦થી ૧૨ ફાયર ટેન્ડરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગોડાઉનમાં પ્લાયવુડ નો વિશાળ જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, તેમજ ઘનઘોર ધુમાડાના કારણે ફાયર જવાનોને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી.લગભગ બે કલાકની સતત જહેમત અને પાણીના મારો બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી,પરંતુ ગોડાઉનમાં સંગ્રહિત માલને ભારે નુકશાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. અંદાજે લાખો રૂપિયાનું નુકશાન થયાનું માનવામાં આવી રહ્યું છે.

હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અંકબંધ હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top