આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક ગઈ કાલે મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગતા એક મુસાફરનું કરુણ મોત થયું છે. અકસ્માત યાલામાંચિલી નજીક થયો હતો. જે વિશાખાપટ્ટનમથી અંદાજે 66 કિલોમીટર દૂર આવેલું છે. ઘટનાએ રાત્રિના સમયે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 12:45 વાગ્યે ટ્રેનમાં આગ લાગવાની જાણકારી મળી હતી. આગ સૌપ્રથમ પેન્ટ્રી કાર નજીક આવેલા B-1 એસી કોચમાં લાગી હતી. જે થોડી જ મિનિટોમાં બાજુના M-2 કોચમાં ફેલાઈ ગઈ હતી. B-1 કોચમાં 82 અને M-2 કોચમાં 76 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
માહિતી મુજબ એક મુસાફરે B-1 કોચમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. ત્યારબાદ તાત્કાલિક ચેઈન ખેંચી ટ્રેન રોકી દેવામાં આવી હતી. ટ્રેન અટકતાં જ મુસાફરો ઝડપથી કોચમાંથી બહાર નીકળ્યા હતા. અકસ્માત સમયે મોટા ભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. જેના કારણે શરૂઆતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સમયસર પગલાં લેવામાં આવતા મોટાભાગના મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા પરંતુ એક યક્તિનું ઘટનામાં મોત થયું હતું.
આગ ઓલવાયા બાદ B-1 કોચમાંથી એક મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ 75 વર્ષીય ચંદ્રશેખર તરીકે થઈ છે. જે વિજયવાડાના રહેવાસી હતા. તેઓ ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હોવાનું જણાવાયું છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આગ લાગ્યા બાદ બંને અસરગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા હતા.બાકીના મુસાફરોને બસ મારફતે સમાલકોટ રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
દરમિયાન દક્ષિણ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, DRM વિજયવાડા, રેલવે સલામતી કમિશન અને GM ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક અને મેડિકલ ટીમો તપાસમાં લાગી ગઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરી તમામ જરૂરી સલામતી પગલાં લેવામાં આવી રહ્યા છે.