નવી મુંબઈમાં ગઈકાલે રાત્રે એક રહેણાંક ઈમારતમાં લાગેલી ભીષણ આગે હાહાકાર મચાવ્યો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડને તેને કાબૂમાં લેવા ઘણાં કલાકોનો સમય લાગ્યો હતો.
નવી મુંબઈના સેક્ટર 14 ખાતે આવેલા રાહેજા રેસિડેન્સી નામની ઈમારતમાં ગત રોજ તા. 20 ઓક્ટોબર રાત્રે આશરે 12:30 વાગ્યે આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ ઈમારતના 10મા માળેથી શરૂ થઈ જે બાદ ઝડપથી 11મા અને 12મા માળે ફેલાઈ ગઈ હતી. ઈમારતમાં રહેતા ઘણા લોકો તે સમયે ઊંઘમાં હતા. જેના કારણે ગભરાટ ફેલાયો અને બચાવકાર્ય મુશ્કેલ બન્યું હતું.
આગ એટલી વિકરાળ હતી કે ઘણા રહેવાસીઓને બહાર નીકળવાનો સમય પણ મળ્યો ન હતો. કેટલાક લોકો પોતાના ઘરમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. થોડા જ સમયમાં નવી મુંબઈ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો.
પોલીસનું નિવેદન
નવી મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં બે મહિલાઓ, એક પુરુષ અને છ વર્ષની એક બાળકીનો દુઃખદ મરણ થયું છે. જ્યારે 10 અન્ય લોકો દાઝી ગયા છે. જેમને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો મુજબ કેટલાક લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે કેટલાક હજુ પણ ગંભીર હાલતમાં છે.
આગનું કારણ હજી સ્પષ્ટ નથી
પોલીસ અને ફાયર વિભાગ બંનેએ જણાવ્યું છે કે આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ તેની પુષ્ટિ માટે તપાસ ચાલુ છે.
આગ બુઝાવવા વધુ સમય લાગ્યો
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગ એટલી ભયંકર હતી કે તેને સંપૂર્ણ કાબૂમાં લેવા સવારે 4 વાગ્યા સુધીનો સમય લાગ્યો હતો. ટીમોએ 10મા થી 12મા માળ સુધીના તમામ રહેવાસીઓને બહાર કાઢવા માટે ભારે મહેનત કરી હતી.
સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. રહેવાસીઓએ ઇમારતમાં પૂરતી સુરક્ષા સુવિધાઓ ન હોવાનો આરોપ લગાવ્યો છે. ઘણા લોકોએ આગ પછી તાત્કાલિક સ્થળ ખાલી કર્યું.
હાલમાં નવી મુંબઈ પોલીસ આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઇમારતના વીજ જોડાણ અને સુરક્ષા સિસ્ટમની તપાસ કરવામાં આવશે જેથી આવી દુર્ઘટના ફરી ન બને.