National

તમિલનાડુમાં ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ, તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન પર ભારે હોબાળો

તમિલનાડુના તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન પર આજ રોજ રવિવાળે સાવરે એક ડીઝલથી ભરેલી માલગાડીમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે મનાલીથી તિરુપતિ જતી ડીઝલ માલગાડી તિરુવલ્લુર સ્ટેશન પાસે પહોંચી હતી. થોડી જ વારમાં આગ સતત 4 ડબ્બાઓમાં ફેલાઈ ગઈ હતી અને તેની જ્વાળાઓ અનેક ફૂટ ઉંચી સુધી પહોંચી હતી.

આ આગ એટલી ભયાનક હતી કે આખા તિરુવલ્લુર સ્ટેશન વિસ્તારમાં કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. આગ લાગતાં જ સ્ટેશનના સ્ટાફ અને લોકલ વહીવટીતંત્ર તત્કાળ હરકતમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડના યુનિટોને ઘટના સ્થળે તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા.

ફાયર સર્વિસના વડા સીમા અગ્રવાલે જણાવ્યું હતું કે, “ડીઝલ ભરેલી ટ્રેનમાં આગ ઓલવવી ખૂબ જ મુશ્કેલ કામગીરી છે. અમારી ટીમે તરત જ કામ શરૂ કરી દીધું હતું અને હજુ પણ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. વધારે નુકસાન ન થાય તે માટે અન્ય બચાવ ટીમોને પણ બોલાવી લેવામાં આવી છે.”

મળતી માહિતી મુજબ, આગની ભીષણતાને કારણે તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન ખાલી કરાવવાનું પણ વહીવટીતંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો હતો. હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાની કે મોટા નુકસાનીના અહેવાલ મળ્યા નથી, જે રાહતની વાત છે.

આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ ડીઝલ લીકેજ અથવા શોર્ટસર્કિટને લીધે આ દુર્ઘટના બની હોય તેવી શક્યતા જણાઈ રહી છે. રેલવે અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top