આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લાના રાયવર શહેરમાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં છ લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસને શંકા છે કે ફેક્ટરીમાં બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હશે. આ ઘટના તા.8 ઓક્ટોબરની સવારે બની હતી.
જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. રાહુલ મીણાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ ફેક્ટરી લાઇસન્સ ધરાવતી હતી. “અમને અત્યાર સુધી છ મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.”
ફાયર બ્રિગેડ અને બચાવ દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે એક પછી એક વિસ્ફોટો થતા રહ્યા. આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ઘેરા વાદળો છવાઈ ગયા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. હાલ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ફટાકડા બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ તકનીકી ખામી કે બેદરકારીથી વિસ્ફોટ થયો હોવાની સંભાવના છે.
રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ગાઢ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવા તથા ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. નાયડુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર તમને તમામ રીતે મદદ કરશે.
હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમો ફેક્ટરીના અવશેષો તપાસી રહી છે જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવે.
આ દુર્ઘટનાએ તહેવારની સીઝન પહેલાં સુરક્ષા ધોરણો પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે ખાસ કરીને એવી ફેક્ટરીઓમાં જ્યાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ થાય છે.