World

સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત

સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક ભીષણ દુર્ઘટના સામે આવી છે. દક્ષિણપશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના વેલેસ કેન્ટન સ્થિત લોકપ્રિય સ્કી રિસોર્ટ શહેર ક્રેન્સ-મોન્ટાનામાં આવેલા એક બારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્વિસ પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ આજે 1 જાન્યુઆરી ગુરુવારે વહેલી સવારે આશરે 1:30 વાગ્યે ‘લે કોન્સ્ટેલેશન’ નામના બારમાં થયો હતો. નવા વર્ષની ઉજવણીને કારણે બારમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. વિસ્ફોટ બાદ બારમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ટીમોએ આગ પર કાબૂ મેળવી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે.

વેલેસ કેન્ટન પોલીસના પ્રવક્તા ગેટન લાથિયોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે “વિસ્ફોટના કારણો હાલમાં સ્પષ્ટ નથી. આ અકસ્માત હતો કે કોઈ અન્ય કારણોસર થયો હતો તે જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.” તેમણે આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાની પણ પુષ્ટિ કરી છે. જોકે ચોક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

સાવચેતીના પગલા તરીકે વિસ્ફોટ સ્થળ અને આસપાસના વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે અને બારમાં હાજર રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ક્રેન્સ-મોન્ટાના એક અત્યંત લોકપ્રિય આલ્પાઇન સ્કી રિસોર્ટ છે. જ્યાં નવા વર્ષની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ સર્જી દીધું છે.

Most Popular

To Top