રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર ગત રોજ મંગળવારે મોડી રાત્રે એક ભીષણ અકસ્માત થયો હતો. મૌજમાબાદ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા જોરદાર વિસ્ફોટ થયો હતો. LPG સિલિન્ડરોમાં લાગેલી આગને કારણે આખા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
એક પછી એક 300 સિલિન્ડર ફૂટ્યા. કેટલાક 500 મીટર દૂર ખેતરોમાં પડ્યા. વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો. સિલિન્ડરો લગભગ બે કલાક સુધી વિસ્ફોટ થતા રહ્યા. અકસ્માતમાં એક વ્યક્તિ જીવતો બળી ગયો. ત્રણ કલાક પછી બાર ફાયર એન્જિનોએ આગ પર કાબુ મેળવ્યો. ટ્રકમાં લગભગ 330 સિલિન્ડર હતા. અકસ્માત બાદ હાઇવે પર લાંબી ટ્રાફિક લાઈન લાગી ગઈ હતી. જ્યારે અગ્નિશામક દળની અનેક ટીમોએ તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ LPG સિલિન્ડર ભરેલો ટ્રક રસ્તાની બાજુમાં ઊભો હતો. ત્યારે પાછળથી રસાયણ ભરેલું ટેન્કર તેની સાથે અથડાઈ ગયું. અથડામણ એટલી જોરદાર હતી કે સિલિન્ડરો ફાટી ગયા અને વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ. જેના કારણે આસપાસના વિસ્તારનો તાપમાન વધી ગયો અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રી ડૉ. પ્રેમચંદ બૈરવા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને રાહત કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે વિસ્તારની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવે.
શહેરના આઈજી રાહુલ પ્રકાશે જણાવ્યું કે “અકસ્માતમાં સંડોવાયેલા ટ્રકના ડ્રાઇવર અને કંડક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિ નથી પરંતુ બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે.” તેમણે વધુમાં કહ્યું કે ટ્રાફિકને બંને બાજુથી રોકવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ દુર્ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે “મૌજમાબાદ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં લાગેલી આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. વહીવટીતંત્રને ઘાયલોને યોગ્ય સારવાર અને અસરગ્રસ્તોને સહાય આપવા સૂચના આપી છે.”
આ ઘટના બાદ હાઇવે પર સામાન્ય અવરજવર ફરી શરૂ કરાઈ છે પરંતુ આગની તીવ્રતા અને વિસ્ફોટના અવાજના કારણે આસપાસના લોકો હજુ પણ ડરી ગયા છે.તેમજ પોલીસ દ્વારા બંને વાહનોના ડ્રાઇવરોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.