SURAT

સમૂહ લગ્ન કે TRP સ્ટંટ?

સામાજિક સંસ્થા પર યુવતીના ગંભીર આક્ષેપો કરતો વિડીઓ વાઈરલ

સુરતમાં એક સામાજિક સંસ્થા સામે ગંભીર આક્ષેપો ઉઠતા શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સુરતની ફરહા નામની યુવતીએ આક્ષેપ કર્યો છે કે એક સામાજિક ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નના બહાને તેની અને તેના પરિવારની અંગત માહિતીનો ઉપયોગ માત્ર પ્રસિદ્ધિ અને TRP મેળવવા માટે કરવામાં આવ્યો.

ફરહાના જણાવ્યા મુજબ, પાનેતર વિતરણના કાર્યક્રમ દરમિયાન સંસ્થાએ તેના પર દબાણ બનાવી મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપવા મજબૂર કરી હતી. યુવતીનો દાવો છે કે ખોટા દિલાસા અને વિશ્વાસ આપીને સમગ્ર ઘટનાને પ્રચારાત્મક રૂપ આપવામાં આવ્યું. ખાસ કરીને હિન્દુ-મુસ્લિમ લગ્ન જેવા સંવેદનશીલ મુદ્દાને ઉછાળી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા, જેના કારણે મામલો વધુ વિવાદાસ્પદ બન્યો.

વિવાદ વધતા સંસ્થાએ લગ્ન કરાવવાની જવાબદારીમાંથી પીછેહઠ કરી લીધી હોવાનો પણ ફરહાનો આક્ષેપ છે. સોશિયલ મીડિયા પર થયેલી નકારાત્મક ટિપ્પણીઓ અને વ્યક્તિગત આબરૂ પર લાગેલા લાંછનોને કારણે પોતાનું માનસિક અને સામાજિક નુકસાન થયું હોવાનું તેણે જણાવ્યું.

ફરહાએ અન્ય દીકરીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. “મારી જેમ કોઈની જિંદગી બરબાદ ન થાય,” એમ કહી તેણે યુવાન યુવતીઓને કોઈપણ સંસ્થા પર વિશ્વાસ કરતા પહેલા તમામ બાબતોની પૂરી તપાસ કરવાની વિનંતી કરી છે.

આ સમગ્ર પ્રકરણ બાદ સામાજિક સંસ્થાઓની પારદર્શિતા અને જવાબદારી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહેશે કે આક્ષેપો અંગે સંસ્થા શું સ્પષ્ટતા કરે છે અને સત્તાવાળાઓ તરફથી કોઈ તપાસ હાથ ધરાય છે કે નહીં.

Most Popular

To Top