સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ટોકરખાડા એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આવેલા સોરઠીયા મસાલા મિલમાં બુધવારના (Wednesday) રોજ મોડી રાત્રે (Night) અગમ્ય કારણોસર આગ (Fire) ભભૂકી હતી. જેને લઈ મિલની અંદર સુતેલા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. મિલના મેનેજર સમય સુચકતા વાપરી કામદારો સાથે સહી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. અને તુરંત ઘટનાની જાણ સેલવાસ ફાયર વિભાગને (Fire Department) કરી હતી. આ તરફ આગ લાગવાની જાણ મિલ માલિક જે મીલની ઉપરના મકાનમાં (House) જ પરિવાર (Family) સાથે રહેતા હોય એમને જાણ થતાં જ તેઓ આ આગમાં ફસાઈ જવા પામ્યા હતા.
સેલવાસ ફાયર વિભાગની ટીમ તુરંત જગ્યા સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવા જોતરાઇ હતી. સાથે મિલ મકાનના ઉપરના ભાગે રહેતા મિલ માલિક સમેત પરિવારના 5 સભ્યોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને તમામને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મિલમાં મસાલાની સાથે ખાદ્યતેલ પણ મોટા પ્રમાણમાં હોવાને લઈ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈ આગની જવાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. જે જોતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતાં જ સેલવાસ, વાપી, દમણ, સરીગામ સહીતની ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જો કે આ આગની ઘટનામાં મસાલા મિલનો તમામ સામાન તથા મશીનરી બળીને ખાક થઈ જવા પામ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર વિભાગને જાણવા મળ્યું છે.
આગ બુઝાવવા આવી રહેલી ફાયરની ગાડી પલટી, 3 ફાયરમેન ઈજાગ્રસ્ત
સોરઠીયા મસાલા મિલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ મેજર કોલ જાહેર થતાં જ દમણ ફાયર વિભાગની ફાયર ટીમ વાહન નંબર DD-03-L-0101 લઈને સેલવાસ આવવા રવાના થઈ હતી. ત્યારે લવાછા ગામ પાસે અચાનક ફાયર વિભાગની ગાડી રસ્તાની બાજુએ આવેલા ડિવાઈડર પર ચઢી જતા પલટી મારી જવા પામી હતી. જેથી વાહનમાં બેઠેલા ત્રણ ફાયરમેન ઈજાગ્રસ્ત થયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ મોડી રાત્રે ઈજાગ્રસ્તોને બહાર કાઢી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.