સુરત: ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટીઓ જનતાને રીઝવવા અનેક પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે સુરતનાં વરાછા વિસ્તારમાં લાગવવામાં આમ આદમી પાર્ટીના ગણેશોત્સવનાં પ્રચાર બેનર પર કોઈક ઇસમે મસાલા ઢોસો લગાવી દીધો હતો. બેનરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા પર આ મસાલા ઢોસો લગાવ્યો હતો.
- સુરતના વરાછા યોગીચોક વિસ્તારની ઘટના
- આમ આદમી પાર્ટીના ગણપતિના પ્રચાર બેનર પર લગાવવામાં આવ્યો મસાલા ઢોસો
- દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા પર લગાવવામાં આવ્યો મસાલા ઢોસો
- સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ
હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવનાં તહેવારમાં સુરતનાં વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સરથાણાના સીમાડા ચાર રસ્તા પાસે આ આયોજન કરવામાં આવ્યું છે. જેના બેનરો વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. ગણેશોત્સવનાં પ્રચારનાં આ બેનર પર કોઈ અજાણ્યો ઇસમ મસાલા ઢોસો લગાવી ગયો હતો. વરાછામાં આવેલા યોગીચોક વિસ્તારમાં આવેલ મહાવીર સર્કલ પાસે આ ઘટના બની છે. આમ આદમી પાર્ટીના ગણપતિના પ્રચાર બેનર પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા પર જ મસાલા ઢોસો લગાવવામાં આવ્યો હતો. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે આ ઢોસો કોણ લગાવી ગયું, અને ક્યારે લગાવી ગયું તે હાલ જાણી શકાયું નથી.
અગાઉ આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ મનોજ સોરઠીયા પર થયો હતો હુમલો
સરથાણાના સીમાડા ચાર રસ્તા પાસે જાહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ગણેશ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં થોડા દિવસ અગાઉ ગુજરાતના પ્રદેશ પ્રમુખ મનોજભાઈ સોરઠીયા, સહિતના અન્ય નેતાઓ અને સુરતના કાર્યકર્તાઓ મંડપની પાછળના ભાગમાં પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ તેમની ઉપર હુમલો કર્યો હતો, આશરે 8 થી 10 લોકોએ લોખંડના પાઇપ અને લાકડાના ફટકા સાથે મનોજભાઈ ઉપર તૂટી પડ્યા હતા. અચાનક જ મનોજભાઈ ઉપર થયેલા હુમલાને લઈને ત્યાં હાજર લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ વચ્ચે ફરતા હુમલાખોરો ફટકા અને પાઇપો મૂકીને ભાગી ગયા હતા. આ હુમલામાં મનોજભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે 8 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.