નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર (Car) નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) તેની 9,000થી વધુ કાર માર્કેટમાંથી (Market) પરત મંગાવી છે. મળતી માહિતી મુજબ આ કારોમાં મોટી ખામીના કારણે આ કારોને પરત બોલાવવામાં આવી છે. કંપની કારમાંથી ફોલ્ટ શોધી તે ફોલ્ટ કાઢીને માર્કેટમાં કાર પાછી મોકલી આપશે. જેમાં મારુતિ કંપનીના ત્રણ મોડલનો સમાવેશ થાય છે. જે મોડલ્સને રિકોલ કરવામાં આવ્યા છે તેમાં વેગન આર, સેલેરિયો અને ઇગ્નિસનો સમાવેશ થાય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દેશની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પાછળની બ્રેક એસેમ્બલી પિનમાં સંભવિત ખામીને ઠીક કરવા માટે ત્રણ મોડલ પાછા બોલાવ્યા છે. જે મોડલ્સને રિકોલ કરવામાં આવ્યા છે તેમાં વેગન આર, સેલેરિયો અને ઇગ્નિસનો સમાવેશ થાય છે. કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 9,925 યુનિટ રિપેર માટે પાછા લેવામાં આવ્યા છે. બ્રેક એસેમ્બલીમાં ખામીને કારણે મારુતિ સુઝુકી ઈન્ડિયા દ્વારા કંપનીની વેબસાઈટ પર આ સંબંધમાં માહિતી પણ શેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે પાછળના બ્રેક એસેમ્બલી પિન પાર્ટમાં સંભવિત ખામીને કારણે ત્રણ હેચબેક કારને રિકોલ કરવામાં આવી રહી છે. આ ભાગમાં ખામી હોવાને કારણે કાર ચલાવતી વખતે ઘણો અવાજ આવે છે. તે જ સમયે, આ ખામીને કારણે, કારની બ્રેક્સનું પ્રદર્શન લાંબા ગાળે ઘટી પણ શકે છે.
કંપની મફતમાં કારની સર્વિસ કરશે
કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખામીને કારણે, કેટલીક પરિસ્થિતિઓમાં પિનનો ભાગ પણ તૂટી શકે છે અને તેનાથી કારમાં જોરથી અવાજ પણ આવી શકે છે. રિપોર્ટમાં કંપનીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે અસરગ્રસ્ત કારોને પરત મંગાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીની અધિકૃત વર્કશોપ આ અંગે ગ્રાહકોનો સંપર્ક કરશે અને તપાસ કર્યા બાદ અસરગ્રસ્ત વાહનોમાં રહેલી ખામીઓને વિનામૂલ્યે સુધારવામાં આવશે. નોંધનીય છે કે મારુતિ સુઝુકીની કારના વેચાણમાં થયેલા વધારાની અસર તેના ચોખ્ખા નફામાં પણ જોવા મળી રહી છે. ભૂતકાળમાં કંપની દ્વારા જાહેર કરાયેલા બીજા ક્વાર્ટરના પરિણામો પર નજર કરીએ તો કંપનીનો નફો 4 ગણો વધી ગયો છે. MSILનો ચોખ્ખો નફો વધીને રૂ. 2,112.5 કરોડ થયો છે.