19 માર્ચે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે છેલ્લા 22 મહિનાનો સૌથી મોટો કડાકો નોંધાયો, જેમાં BSE Sensex 2,497 પોઈન્ટ (3.26%) તૂટી 74,207 પર બંધ થયો, જ્યારે Nifty 50 પણ 776 પોઈન્ટ ઘટીને 23,002થી નીચે આવી ગયો હતો. આ તીવ્ર ઘટાડાને કારણે એક જ દિવસમાં રોકાણકારોના અંદાજે 12 લાખ કરોડ સુધીના મૂલ્યમાં ઘટાડો થયો. બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી, જ્યારે ભૂરાજકીય તણાવ અને મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ અચાનક વધી જતા બજારમાં ગભરાટ ફેલાયો. વૈશ્વિક પરિસ્થિતિ પણ નકારાત્મક રહી, જેમાં એશિયન બજારો જેમ કે કોસ્પી, નિક્કી, હેંગસેંગ અને શાંઘાઈ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો, જ્યારે અમેરિકન બજારોમાં પણ Dow Jones Industrial Average, Nasdaq Composite અને S&P 500માં નબળાઈ જોવા મળી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ 112 પ્રતિ ડોલર બેરલને પાર કરી ગયા, જેનાથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી છે.
આ વચ્ચે HDFC Bankમાં પણ મોટી અસર જોવા મળી, જ્યાં પાર્ટ-ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીના રાજીનામા બાદ શેરમાં લગભગ 5%નો ઘટાડો થયો. કુલ મળીને BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 439 લાખ કરોડથી ઘટીને 430 લાખ કરોડ પર આવી ગયું, જે રોકાણકારો માટે ભારે નુકસાનનું કારણ બન્યું હતું. સતત વધતા જોખમો વચ્ચે રોકાણકારો સુરક્ષિત વિકલ્પોની તરફ વળી રહ્યા છે, જેના કારણે બજારમાં વેચવાલીનો દબાણ વધુ વધી રહ્યો છે.