Gujarat

દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં, ગેરકાયદે દબાણ ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે – દાદા

ગાંધીનગર: હજુ ગઈકાલે જ ગાંધીનગરમાં (Gandhinagar) દરિયાઈ સુરક્ષા (Maritime security) વધુ સધન બનાવવા માટે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે દરિયાઈ પટ્ટીના જિલ્લા કલેકટરો તથા પોલીસ વડાઓ , એટીએસ તથા કેન્દ્રિય એજન્સીઓના સીનીયર અદિકારીઓ સાથે મહત્વની બેટક યોજી હતી અને આજે મુખ્યમંત્રી પટેલ બેટ દ્વારકા કાતે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી નાંખ્યા બાદ સમગ્ર સ્થળનું જાત નિરીક્ષણ કરવા માટે બેટ દ્વારકા પહોચી ગયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના આ પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી.ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સમા નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ તેમણે કર્યું હતું. સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.

દ્વારકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે. વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું. સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમણે કહયું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજયની સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.

Most Popular

To Top