નવી દિલ્હી: ભારતના મેન્યુફેકચરીંગ સેકટરની પ્રવૃતિઓએ વધુ ગતિ ગુમાવી છે અને માર્ચમાં તે સાત માસના તળિયે પહોંચી છે જયારે કોવિડ-19નો રોગચાળો વકરવાની સાથે માગમાં સંકોચન થયું છે એમ એક માસિક સર્વેક્ષણે આજે જણાવ્યું હતું .
સિઝનેબલી એડજસ્ટેડ આઇએચએસ માર્કિટ ઇન્ડિયા મેન્યુફેકચરીંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ(પીએમઆઇ) ફેબ્રુઆરીમાં પ૭.પ ટકા હતો જે માર્ચમાં ગગડીને 55.4 ટકાના સાત માસના તળિયે પહોંચ્યો હતો. અલબત્ત, લેટેસ્ટ રીડિંગ આ સેકટરના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. પીએમઆઇના ધોરણમાં 50ની ઉપરની પ્રિન્ટનો અર્થ વિસ્તરણ થાય છે અને 50ની નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. ઉત્પાદન, નવા ઓર્ડરો અને ઇન્પુટ ખરીદી હળવા દરોથી વધ્યા છે એમ આઇએચએસ માર્કિટના ઇકોનોમિક્સ એસોસિએટ ડિરેકટર પોલિઆના ડી લીમાએ જણાવ્યું હતું. લીમાએ વધુમાં નોંધ્યું હતું કે જ્યારે સર્વેમાં ભાગ લેનારાઓએ સંકેત આપ્યો હતો કે કોવિડ-19ના વધરવાની સાથે ઇનપુટ ખરીદીમાં ઘટાડો થયો છે કારણ કે ખર્ચના દબાણમાં વધારો થયો છે. જ્યારે દેશમાં કોવિડ-૧૯ના નિયંત્રણો વધ્યા છે અને ઘણા રાજ્યોમાં લૉકડાઉન જેવા પગલાઓ ફરી રજૂ થઇ રહ્યા છે ત્યારે ભારતીય ઉત્પાદકો એપ્રિલ મહીનામાં પડકારજનક સમયનો સામનો કરી શકે છે. એમ લીમાએ જણાવ્યું હતું.
આ સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે માર્ચમાં રોજગારીમાં ઘટાડો થયો છે જે સાથે દેશમાં નોકરીઓનું હાલનું સ્તર એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યુ છે. કોવિડ-19ના નિયંત્રણોને કારણે નોકરીઓના પ્રમાણ પર અસર થઇ છે. માર્ચ મહિનામાં ધંધા ઉદ્યોગોનો વિશ્વાસ ગગડ્યો છે, કેટલીક કંપનીઓ આગામી 12 મહિનામાં ઉત્પાદનમાં વધારો થવાની આશા ધરાવે છે ત્યારે મોટા ભાગના ધંધાઓ હાલના લેવલમાં કોઇ ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી રહ્યા છે. કિંમતોના મોરચે ઉત્પાદન ખર્ચમાં ફુગાવાનું દબાણ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઉંચા સ્તરે દેખાયું છે, જો કે વેચાણ કિંમત થોડી વધી છે જેનાથી કંપનીઓને તેમની સ્પર્ધાત્મકતા વધારવામાં થોડી મદદ મળી છે.