નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics) ભારત માટે બે બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનાર મનુ ભાકર (Manu Bhakar) મંગળવારે ભારત પરત ફરી શકે છે. ત્યારે પેરિસથી પરત આવ્યા બાદ મનુ ભાકર ત્રણ મહિનાનો બ્રેક લેશે તેવી સંભાવના છે. તેમજ એવું માનવામાં આવે છે કે પોતાના વેકેશનને લઇ મનુ દિલ્હીમાં યોજાનાર વર્લ્ડ કપમાંથી પણ બહાર રહી શકે છે.
હાલમાં જ થોડા સમય પહેલા યોજાયેલા પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટીમ કુલ છ મેડલ જીતવામાં સફળ રહી હતી. જેમાંથી મનુ ભાકરે ભારતને બે મેડલ જીતાડ્યા હતા. તેણીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને સરબજોત સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ મનુ ભાકર સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એક જ આવૃત્તિમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી.
દરમિયાન, સ્ટાર શૂટરના કોચ જસપાલ રાણાએ માહિતી આપી હતી કે મનુ ભાકર ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપનો ભાગ નહીં હોય. જસપાલે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે – મને ખબર નથી કે મનુ ઓક્ટોબરમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમશે કે નહીં કારણ કે તે ત્રણ મહિનાનો બ્રેક લઈ રહી છે. અસલમાં મનુ લાંબા ગાળાથી ખુબ મહેનત કરી છે માટે આ બ્રેક સ્વાભઅવિક છે. શૂટિંગ વર્લ્ડ કપ 13 થી 18 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં યોજાશે. ત્યારે જસપાલે કહ્યું કે બ્રેક બાદ મનુ ભાકર 2026 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ પર કામ કરશે.
શૂટિંગના મેડલ વિજેતાઓ પણ શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં ભાગ લેશે
આ વર્ષે યોજાયેલા 6 વર્લ્ડ કપની દરેક ઈવેન્ટમાંથી બેસ્ટ-8 શૂટર્સ, ગયા વર્ષના વર્લ્ડ કપ ફાઇનલમાં વિજેતા અને પેરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતનારા શૂટર્સ પણ શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં ભાગ લેશે. આ સિવાય યજમાન દેશના બે શૂટર્સને પણ આ ઈવેન્ટમાં તક મળે છે.
પેરિસ ઓલિમ્પિક પહેલા મનુ, જસપાલ રાણા પાસે ટ્રેનિંગ માટે પરત કરી હતી
પેરિસ ઓલિમ્પિકના થોડા મહિના પહેલા મનુએ પોતાના કોચ જસપાલ રાણા સાથેના તમામ વિવાદોનો અંત લાવી દીધો હતો. તેમજ મનુએ તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ લેવાનું નક્કી કર્યું હતું. વાસ્તવમાં ટોક્યો ઓલિમ્પિક પહેલા મનુનો જસપાલ રાણા સાથે વિવાદ થયો હતો. મનુ સાથેના વિવાદને કારણે નેશનલ રાઈફલ અને શૂટિંગ ફેડરેશને જસપાલ રાણાને કોચિંગમાંથી હટાવી દીધા હતા. મનુએ આરોપ લગાવ્યો કે રાણા ઇચ્છતા ન હતા કે તે ત્રણ ઇવેન્ટમાં ભાગ લે. રાણા ઇચ્છતો હતો કે ચિંકી યાદવ ટોક્યોમાં 25 મીટર એર પિસ્તોલમાં ભાગ લે.