નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર (Manu Bhakar) પેરિસ ઓલિમ્પિક 2024માં વધુ એક મેડલની (Medal) નજીક પહોંચી ગઈ છે. બે બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધતી મનુએ 25 મીટર પિસ્તોલ મેચની (Pistol match) ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આજની મેચમાં મનુ ભાકરે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 590 માર્ક્સ મેળવ્યા હતા.
જણાવી દઇયે કે મનુએ બીજા સ્થાને રહીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જ્યારે આ જ ઈવેન્ટમાં ભાગ લેનારી અન્ય ભારતીય શૂટર ઈશા સિંહ 581 પોઈન્ટ સાથે 18મા સ્થાને રહી હતી અને ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે ક્વોલિફાઈંગ રાઉન્ડના ટોપ 8 શૂટર્સ જ ફાઈનલમાં જગ્યા બનાવી શક્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. તેમજ આ ત્રણેય મેડલ શૂટિંગમાં જ આવ્યા છે. જેમાંથી મનુ ભાકરે 2 મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. હવે આવતીકાલે શનિવારે મનુની નજર મેડલની હેટ્રિક ફટકારવા પર રહેશે.
મનુ ભાકરે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણીએ ઝડપી રાઉન્ડમાં 296નો સ્કોર કર્યો અને બીજા સ્થાને રહી હતી. મનુએ પહેલા રાઉન્ડમાં 100, બીજા રાઉન્ડમાં 98 અને ત્રીજા રાઉન્ડમાં 98 રન બનાવ્યા હતા. અગાઉ પ્રીસીઝન રાઉન્ડમાં મનુએ 294 રન બનાવ્યા હતા. જેમાં તેણીએ અનુક્રમે 97, 98, 99 સ્કોર બનાવ્યા હતા. આમ, મનુનો કુલ સ્કોર 590 હતો અને તેણીએ મેચ દરમિયાન 24 X (પરફેક્ટ 10) બનાવ્યા હતા.
મેજર વેરોનિકા પ્રથમ સ્થાને રહી
હંગેરીની મેજર વેરોનિકા મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહી હતી. તેણીએ પ્રિસિઝન રાઉન્ડમાં 294 અને ઝડપી રાઉન્ડમાં 298ના સ્કોર સાથે કુલ 592 પોઇંટનો સ્કોર કર્યો હતો. આ સિવાય હંગેરિયન ખેલાડીએ 27 X એટલે કે પરફેક્ટ 10નો સ્કોર કર્યો. પરંતુ આવી ટફ કોમ્પિટિશન હોવા છતા મનુએ ત્રીજી શૂટિંગ ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. અગાઉ મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો.
મનુએ પહેલા જ ઈતિહાસ રચી દીધો છે
મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે મનુ એકજ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. હવે મનુની ફાઇનલ મેચ આવતીકાલે શનિવારે યોજાશે.