નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics) ભારત માટે બે મેડલ જીતનારી સ્ટાર શૂટર મનુ ભાકરે (Manu Bhakre) આજે શનિવારે ત્રીજો મેડલ જીતવામાટે લક્ષ્ય સાધ્યું હતું. જોકે 25 મીટર વુમન્સ પિસ્તોલ ઈવેન્ટમાં મનુ ફાઈનલ મેચમાં ખુબ જ નજીકથી ચૂકી ગઇ હતી, અને ભારત માટે ત્રીજો મેડલ લાવવામાં અસફળ રહી હતી. તેમ છતા શુટિંગ સ્ટારે ભારતને (India) ચોથું સ્થાન અપાવ્યું હતું.
22 વર્ષની મનુએ 10 મીટર પિસ્તોલ અને 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં ભારતને એક-એક બ્રોન્ઝ અપાવ્યો છે. ત્યારે મનુ પાસે આજે મેડલ જીતવાની સુવર્ણ તક હતી. જો તેણી આમ કરવામાં સફળ રહી હોત તો ઓલિમ્પિક ગેમ્સમાં 3 મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય બની જાત. પરંતુ ભારતની મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં મેડલ મેળવવાથી થોડી દૂરથી ચૂકી ગઈ હતી તેમજ તેણીએ ચોથું સ્થાન મેળવ્યું હતું. આજે મનુ મેડલના ત્રીજા સ્થાનથી માત્ર ત્રણ પોઇન્ટ દૂ રહી હતી.
દીપિકા પાસેથી ગોલ્ડની અપેક્ષા
તીરંદાજ દીપિકા કુમારી જર્મન તીરંદાજને હરાવીને ટોપ 8માં પહોંચી ગઈ છે. ત્યારે દીપિકા હવે તીરંદાજી મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. દીપિકાની ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:09 વાગ્યે શરૂ થશે. ત્યારે દેશને દીપિકા પાસેથી ગોલ્ડ મેડલની આશા છે.
મનુ ભાકર મેડલ ચૂકી
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર આજે શનિવારે મેડલથી વંચિત રહી હતી. મનુ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં કુલ 10 શ્રેણીના શોટ ચલાવવાના હતા. ત્યારે શ્રેણીમાં કુલ પાંચ શોટ હતા. તેમજ ત્રણ શ્રેણી પછી એલિમિનેશનનો રાઉન્ડ શરૂ થયો હતો. ત્યારે મનુ 28ના સ્કોર સાથે આઠ શ્રેણી બાદ ચોથા સ્થાને રહી હતી. અર્થાત મનુના 40માંથી 28 શોટ ગ્રીન રહ્યા હતા. મનુ બાકીના લક્ષ્યને હિટ કરી શકી નહીં.
આઠમી શ્રેણીમાં મનુ અને ચોથા સ્થાને રહેલી હંગેરીની વેરોનિકા મેજર વચ્ચે મેચ હતી. ત્યારે આ શ્રેણીમાં મનુ ત્રણ શોટ ચૂકી ગઇ, જ્યારે વેરોનિકા બે શોટ ચૂકી ગઈ અને ત્રણ શોટ ટાર્ગેટ પર આવી અને મનુથી આગળ નીકળી ગઈ હતી. આ રીતે મનુ મેડલ ચૂકી હતી અમે વેરોનિકાએ બ્રોન્ઝ કબજે કર્યો હતો. ત્યારે આ મેચમાં દક્ષિણ કોરિયાની જિન યાંગે ગોલ્ડ અને ફ્રાન્સની કેમિલે સિલ્વર મેડલ જીત્યો હતો. 10 સિરીઝ બાદ બંનેનો સ્કોર 37-37 હતો. ત્યારપછી બંને વચ્ચે શૂટિંગ થયું, જેમાં જીને ટાર્ગેટ પર ચાર ગોળી ચલાવી, જ્યારે કેમિલની માત્ર એક જ ગોળી નિશાન પર વાગી હતી.
મનુએ પહેલા જ ઈતિહાસ રચી દીધો છે
મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે મનુ એકજ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી.