મણિપુર: મણિપુરમાં (Manipur) હિંસા (Violence) વચ્ચે રાજકારણમાં ડ્રામા (Drama) જોવા મળી રહ્યો છે. મણિપુરના સીએમ (CM) શુક્રવારે (Resignation) રાજીનામુ આપવા જઈ રહ્યાં હતા તે સમયે એવો ડ્રામા થયો હતો કે સાંજે તેઓએ પરત આવી સ્પષ્ટતા કરી હતી કે હું સીએમ પદ પરથી રાજીનામું નહિં આપું.
મણિપુરમાં ચાલી રહેલી હિંસાના કારણે ત્યાંના મુખ્યમંત્રી (CM) બિરેન સિંહની મુશ્કેલીઓ વધી હતી. વિપક્ષે બિરેન સિંહ અને તેમની સરકાર પર કાયદો વ્યવસ્થા ન સંભાળી શકવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ રાજ્યના નવ વિધાયકોએ દેશના વડાપ્રધાનની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા જેના કારણે બિરેન સિંહને તેમના સીએમના પદેથી રાજીનામુ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું. શુક્રવારે બિરેન સિંહના રાજીનામા અંગે ચાલી રહેલા તમામ વિવાદોનો અંત આવ્યો છે. રાજ્યના સીએમ એન બિરેન સિંહે જણાવ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે.
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યના સીએમ એન બિરેન સિંહે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહનો ઈમ્ફાલમાં રાજભવન જઈને રાજ્યપાલ અનુસુયા ઉઈકેને મળવાનો પ્લાન હતો. આ બેઠક દરમિયાન તેઓ રાજ્યપાલને પોતાનું રાજીનામું પત્ર સોંપવાના હતા.
એન બિરેન સિંહ શુક્રવારે સવારે ગવર્નર હાઉસ જવા રવાના થયા હતા. આ દરમિયાન કેટલીક મહિલા સમર્થકોએ રાજભવનની બહાર રોડ બ્લોક કરી દીધો હતો અને મુખ્યમંત્રીના કાફલાને આગળ જવા દીધા ન હતા. ત્યાર પછી કેટલીક મહિલા સમર્થકોએ તેમનું રાજીનામું ફાડી નાખ્યું હતું અને તેમને રાજીનામું ન આપવા વિનંતી કરી હતી.
આ નાજુક સમયે સરકારે મક્કમ રહી બદમાશો સામે કાર્યવાહી કરવી જોઈએ: મહિલા નેતા ક્ષેત્રમયુમ શાંતિ
મણિપુરમાં ગુરુવારે ફરી હિંસા ભડકી હતી જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. જે પછી એવી અટકળો ચાલી રહી હતી કે એન બિરેન સિંહ સીએમ પદ પરથી રાજીનામું આપવાના છે. સૂત્રો પાસેથી જાણકારી સામે આવી હતી કે મહિલા નેતા ક્ષેત્રમયુમ શાંતિએ કહ્યું હતું કે આવાં નાજુક સમયે બિરેન સિંહ સરકારે મક્કમ રહેવું જોઈએ અને બદમાશો પર કાર્યવાહી કરવી જોઈએ.
રાહુલ ગાંધી બે દિવસ મણિપુરના પ્રવાસે
રાજ્યમાં બગડતા વાતાવરણ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ બે દિવસ મણિપુરના પ્રવાસે છે. તેઓએ રાહત શિબિરો અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. જો કે ભાજપ રાહુલના પ્રવાસને રાજકીય રીતે પ્રાયોજિત પ્રવાસ ગણાવી રહી છે.
શા માટે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે?
મણિપુરમાં મૈતેય સમુદાય આદિવાસી આરક્ષણની માંગ કરી રહ્યો છે. તેની સામે 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી અને અત્યાર સુધી આ હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર કેન્દ્ર સરકારે તાજેતરમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.