SURAT

વરાછામાં બે મેનેજરોએ અગાઉ કામ કરી ચૂકેલો કારીગર અને એક હીરા દલાલે મળી ઠગાઈ કરી

સુરત : વરાછામાં (Varacha) આવેલી હીરા કંપનીમાં કામ કરતા મેનેજર (Manager) અને આ કંપનીમાં જ અગાઉ કામ કરી ચૂકેલા કારીગર અને હીરા દલાલે એકબીજાના મેળીપીપણામાં રૂા. 2.75 કરોડની કિંમતના 75.52 કેરેટ હીરા બારોબાર વેચી દઇને તે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા. આ મામલે હીરા પેઢીએ પોલીસમાં (Police) ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાલ આરટીઓ પાસે વૈષ્ણવદૈવી લાઇફ સ્ટાઇલમાં રહેતા અર્ણવભાઇ ચંદ્રકાત જોષી વરાછા ઉમીયાધામ મંદિર પાસે કે.પી. સંઘવી બિલ્ડીંગમાં વર્ધન જેમ્સ નામથી હીરાની કંપની ચલાવે છે. આ કંપનીમાં વરાછા વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા નિમેશ પ્રાગજીભાઇ દિયોરા પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા હતા. નિમેશભાઇને બે અલગ અલગ જ્વેલર્સના હીરા મેન્યુફેક્ચરીંગ માટે આપ્યા હતા અને આ હીરા નિમેશભાઇ તેની નીચેના કારીગરોને તૈયાર કરવા માટે આપતા હતા. દરમિયાન છેલ્લા ચાર મહિનાના સમયગાળામાં નિમેશભાઇને રૂા.2.75 કરોડની કિંમતના 75.52 કેરેટના 49 હીરા તૈયાર કરવા માટે આપ્યા હતા. આ હીરાની ઉઘરાણી કરવામાં આવતા નિમેશભાઇએ કંપનીના માલિક અર્ણવભાઇને કહ્યું કે, આ હીરા કંપનીના મેનેજર સતીષ મગનભાઇ પરમારને વેચાણ માટે આપ્યા છે. ત્યારબાદ સતીષભાઇને પુછવામાં આવતા તેઓએ કહ્યું કે, નિમેશભાઇએ મને માત્ર 34 નંગ હીરા જ આપ્યા છે અને આ હીરા આપણી કંપનીમાં અગાઉ કામ કરતા કારીગર નામે દિવ્યેશ દેવજીભાઇ કરકરને આપ્યા છે. બાદમાં દિવ્યેશને ફોન કરીને બોલાવવામાં આવતા તેઓએ આ હીરા કુંજન વસંતભાઇ મહેતાને વેચાણ માટે આપ્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ કુંજનભાઇને ઓફિસે બોલાવતા તેઓએ કહ્યું કે, 34 હીરા દોઢ કરોડમાં વેચી દીધા હતા અને તે રૂપિયા દિવ્યેશભાઇને આપ્યા છે. તમામ એકબીજા ઉપર ખો આપીને વાત ફેરવતા હતા. આખરે આ વ્યવહારનો છેડો સતીષભાઇની પાસે આવતા તેઓએ કહ્યું કે, અમે તમામ હીરા વેચી નાંખીને રૂપિયા વાપરી નાંખ્યા છે. બનાવ અંગે ચારેયની સામે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કાપડ વેપારીનો ભાઈ મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચઢ્યો ને પહેલી જ વારમાં પકડાઈ ગયો
સુરત: સિટીલાઈટ ખાતે થોડા દિવસ પહેલાં થયેલી ચોરીના આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. આરોપી કાપડ વેપારીનો ભાઈ છે અને મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચઢ્યો હતો. સિટીલાઈટ ખાતે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહના ફ્લેટમાં ગત 19 તારીખે ચોરી થઈ હતી. ચોરેય હોલની કાચની બારીનું સ્લાઈડિંગ લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. કબાટ ચાવી વડે ખોલીને સોનાના ડાયમંડજડિત 21.07 લાખના દાગીના ચોરી ગયા હતા.

આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાચે બાતમીના આધારે આરોપી સુમિત તુલસીસીંગ રાજપૂત (ઉં.વ.રર) (રહે.,ઘર નં.૯, માન સરોવર બંગ્લોઝ, આશીર્વાદ એન્કલેવ પાસે, અલથાણ તથા મૂળ કાનપુર, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના કિંમત રૂ.૭,૭૦,૫૦૦ તથા એક મોબાઈલ ફોન અને સાઈન મોટરસાઈકલ, રોકડા રૂ.૨૧,૦૦૦ મળી કુલ રૂ.૮,૩૧,૫૦૦ની મત્તા મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતાં પોતે છેલ્લા ચાર-છ મહિનાથી બેકાર હતો. અને મિત્રોની સંગતમાં અને પોતાના મોજશોખ પૂરા કરવા પોતે કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે સિટીલાઇટ કોમ્પ્લેક્સ ખાતે અવરજવર હતી. જેથી આ આરોપીએ કોમ્પ્લેક્સની પાછળ આવેલા એપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યું હતું. અને ત્રીજા માળે ચઢીને હોલમાં આવેલી બારી વાટે ત્રીજા માળે જઈ પ્રવેશ કરી ચોરી કરી હતી.

Most Popular

To Top