National

એટામાં 8 વખત મતદાન કરનાર વ્યક્તિની ધરપકડ, ECએ બૂથ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો

લખનૌ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) એટામાં એક વ્યક્તિએ 8 વખત મતદાન (Voting) કર્યું હોવાનો દાવો કર્યા બાદ હવે સંબંધિત મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન કરવામાં આવશે. દરમિયાન મતદાન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે (Election Commission) આ મતદાન મથક પર ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે મતદાન પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એટા જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. એટા પોલીસના જણાવ્યા મુજબ આજે સોમવારે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો અનેકવાર વોટિંગ કરવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ ઘટના અંગે એટા જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

આ એફઆઈઆર આઈપીસીની કલમ 171-એફ અને 419 અને આરપી એક્ટ 951ની કલમ 128, 132 અને 136 હેઠળ નોંધવામાં આવી હતી. વીડિયોમાં ઘણી વખત વોટિંગ કરતા જોવા મળેલા વ્યક્તિની ઓળખ ખીરિયા પમરાન ગામનો રહેવાસી રાજન સિંહનો પુત્ર અનિલ સિંહ તરીકે થઈ હતી. ત્યાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

મતદાન પક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવશે
સમગ્ર મામલે મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે મતદાન પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. તેમજ સંબંધિત મતદાન મથકમાં ફરી મતદાન કરાવવાની ભલામણ ચૂંટણી પંચને કરવામાં આવી હતી. આ સાથે જ યુપીના બાકીના તબક્કામાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મતદાર ઓળખની પ્રક્રિયાને કડક રીતે અનુસરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

અખિલેશ યાદવે વીડિયો શેર કર્યો
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. તેમજ આ વીડિયોને વોટની લૂંટ ગણાવી હતી. અખિલેશે લખ્યું કે જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો પંચે કંઈક પગલાં લેવા જોઈએ, નહીં તો…. આ પછી અખિલેશે આગળ લખ્યું- ભાજપની બૂથ કમિટી વાસ્તવમાં લૂંટ કમિટી છે.

રાહુલ ગાંધીએ પણ શેર કર્યો વીડિયો

રાહુલ ગાંધીએ અખિલેશ યાદવની સોશિયલ મીડિયા પોસ્ટ રીશેર કરી હતી અને ચૂંટણી ડ્યુટી કરી રહેલા અધિકારીઓને ચેતવણી આપી હતી. તેમણે લખ્યું- પોતાની હાર સામે જોઈને ભાજપ જનાદેશને નકારવા માટે સરકારી તંત્ર પર દબાણ લાવી લોકતંત્રને લૂંટવા માંગે છે. કોંગ્રેસ ચૂંટણી ફરજ બજાવતા તમામ અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ સત્તાના દબાણમાં તેમની બંધારણીય જવાબદારીઓ ભૂલી ન જાય.

Most Popular

To Top