દેશમાં જે કેટલાક કટ્ટર ભાજપ વિરોધી અને મોદી વિરોધી રાજકીય નેતાઓ છે તેમાં તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ મોખરે લઇ શકાય. કેન્દ્રની મોદી સરકાર સાથે લાંબા સમયથી તેમને સખત સંઘર્ષ રહ્યો છે. હાલ કેટલાક સમય પહેલા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પક્ષ અને મમતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે કેવી સખત કડવાશ સર્જાઇ હતી તે સૌ જાણે છે. પશ્ચિમ બંગાળમાં આ પહેલાની મમતા સરકાર સાથે પણ કેન્દ્રની ભાજપની મોદી સરકારને સખત સંઘર્ષ રહ્યો છે અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની હાલ થોડા મહિનાઓ પહેલાની ચૂંટણી વખતે તો ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કડવાશની પરાકાષ્ઠા આવી ગઇ હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે સખત અને ઉગ્ર પ્રચાર કર્યો. ચૂંટણી પ્રચાર વખતે પણ બંને પક્ષો વચ્ચે હિંસક સંઘર્ષના બનાવો પણ સર્જાયા. ખાસ્સા કડવાશ અને શત્રુતાના માહોલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાઇ.
ચૂંટણી પ્રચાર વખતે ભાજપની, ખાસ કરીને વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાઓમાં જે રીતે જંગી જનમેદની ઉમટતી હતી તે જોતા એવુ પણ લાગતું હતું કે આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી શાસન ગુમાવશે અને પ્રથમ વખત બંગાળમાં ભાજપની સરકાર રચાશે. જો કે મમતાએ ચમત્કાર કરી બતાવ્યો. સારી એવી બહુમતિથી મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતી ગયો. જો કે ભાજપે પણ પોતાનું ગજું તો આ રાજ્યમાં ખાસ્સુ વધાર્યું. ખુદ મમતા બેનરજી ઘણી રસાકસી પછી તેમનો જ પક્ષ છોડીને ભાજપમાં ગયેલા અગ્રણી નેતા સામે હારી ગયા. જો કે બાદમાં તેઓ પેટાચૂ઼ટણી જીતી ગયા ખરા. વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ભાજપ સ્તબ્ધ થઇ ગયો હતો અને ચૂંટણી પછી મમતા સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે સંઘર્ષ ઘણો વધી ગયો . ચૂંટણી પછીની હિંસાના મુદ્દા સહિતના કેટલાક મુદ્દાઓએ મોદી સરકારે મમતા સરકારને ભીડાવવાના પ્રયાસો કર્યા. જો કે મમતાએ મોદી સરકારને બરાબરની ટક્કર આપી. હવે આ મમતા બેનરજીએ ફરી એકવાર ભાજપ સામે વિપક્ષી એકતાની હાકલ કરી છે.
અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષપદે ફરીથી ચૂંટાયા બાદ હાલમાં મમતા બેનરજીએ કેન્દ્રમાંથી ભાજપની સરકારને સત્તા પરથી દૂર કરવા માટે ભાજપ વિરોધી પક્ષોની મજબૂત હિમાયત કરી હતી. આ પ્રસંગે તેમણે પોતાના પક્ષનું વિસ્તરણ કરવા માટેની રૂપરેખા રજૂ કરી અને આ સાથે જ કેન્દ્રમાંથી ભાજપની આગેવાની હેઠળની સરકારને દૂર કરવા માટે અન્ય ભાજપ વિરોધી પક્ષોનો સહકાર માગ્યો. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે તેમણે આ સહકાર માગ્યો છે. આ બાબત તેમના ભાજપ વિરોધી મજબૂત અભિગમની સાથે તેમની પોતાની મહત્વાકાંક્ષા પણ દર્શાવે છે. ઘણા લોકો મમતા બેનરજીને વડાપ્રધાનપદના દાવેદાર તરીકે જુએ છે. વિપક્ષી મોરચો રચાય અને ઘણા બધા પક્ષો ભેગા મળીને ભાજપ સામે લોકસભા ચૂંટણી લડે તો વડાપ્રધાન મમતા બેનરજી જ બની શકે તેવો એક મજબૂત મત વિશ્લેષકોમાં પ્રવર્તી રહ્યો છે અને ખુદ મમતા બેનરજી પણ પોતાને વડાપ્રધાનપદના દાવેદાર તરીકે જોતા હોય તે સ્વાભાવિક છે.
તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષપદે ફરીથી ચૂંટાયા તે પછી તેમણે પક્ષના કાર્યકરોને પાનો ચડાવતા કહ્યું હતું કે જો આપણે બંગાળમાં ૩૪ વર્ષથી શાસન કરતા ડાબેરીઓને હાંકી શકીએ છીએ તો આપણે દેશમાંથી ભાજપને જરૂર દૂર કરી શકીએ છીએ. તે(ભાજપ) આપણો મુખ્ય શત્રુ છે એમ મમતાએ કહ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહાર કરવાનું મમતા ચુક્યા નહીં. તેમણે કહ્યું કે મને એ જોઇને દુ:ખ થાય છે કે મેઘાલય અને ચંદીગઢમાં કોંગ્રેસ ભાજપ માટે ચૂંટણી લડી રહી છે. દેખીતી રીતે મમતાનો ઇશારો એ તરફ હતો કે કોંગ્રેસના કારણે આ બંને રાજ્યોમાં તૃણમૂલ અને આપ જેવા પક્ષો સામે ભાજપને ફાયદો થયો છે. આપણે ઇચ્છીએ છીએ કે તમામ ભાજપ વિરોધી મોરચાઓ ભેગા થાય. પણ કોઇ બીજી રીતે વિચારે અને અહંકારી રહે તો આપણે આપણો પોતાનો માર્ગ પસંદ કરવો પડશે એમ મમતાએ કહ્યું, સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપને હરાવવા માટે પ્રાદેશીક પક્ષોએ ભેગા થવું જ જોઇએ.
અહીં સ્વાભાવિક જ એ પ્રશ્ન થાય કે ભાજપ સામે મજબૂત વિપક્ષી એકતા સર્જવાના મમતા બેનરજીના પ્રયાસો સફળ રહેશે ખરા? મમતાની મહત્વાકાંક્ષા છૂપી નથી. અને વિપક્ષોમાં વડાપ્રધાનપદ માટેના ઇચ્છુકો ઘણા છે. કોંગ્રેસ હજી પણ પોતાને મુખ્ય વિરોધપક્ષ માનવાના જ મૂડમાં છે અને તે સ્વાભાવિક રીતે મમતાની આગેવાની હેઠળની સરકારમાં જોડાવામાં અચકાટ અનુભવે. ઘણા કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને વડાપ્રધાનપદ માટેના મજબૂત દાવેદાર તરીકે માને છે. બીજી બાજુ બીજા પણ અનેક વિપક્ષી નેતાઓ વડાપ્રધાન બનવાના ઇચ્છુક છે! આવા સંજોગોમાં જો ભાજપને હરાવવામાં વિપક્ષી મોરચો સફળ થાય તો પણ બાર ભાયા ને તેર ચોકા જેવી હાલત સર્જાય તે સ્વાભાવિક છે. પહેલી વાત તો એ કે ભાજપ સામે એક મજબૂત વિપક્ષી મોરચો ઉભો જ થઇ શકે કે કેમ? તે એક પ્રશ્ન છે. દેખીતી રીતે કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષો તૃણમૂલ કોંગ્રેસ પક્ષને મોટો ભાઇ બનાવવા બહુ ઇચ્છુક નહીં હોય. ટીએમસીના અધ્યક્ષપદે ફરી ચૂંટાયા બાદ પોતાના પક્ષના કાર્યકરો સામે મમતા બેનરજીઅે કોંગ્રેસ માટે જે ઉચ્ચારણો કર્યા તે બાબત તેમની અકળામણ સૂચવે છે. કોંગ્રેસનું વલણ મમતા સમજે જ છે. કેન્દ્રમાંથી ભાજપની સરકારને દૂર કરવા માટે મમતા બેનરજી ભલે મજબૂત વિપક્ષી એકતાની હાકલો કરતા હોય પરંતુ તેઓ આમાં સફળ થાય તેવું હાલ તો લાગતું નથી.