National

મમતાએ મુસલમાનો માટે કશું નથી કર્યું!’ હુમાયું કબીર (AJUP) સાથે ગઠબંધન બાદ ઓવૈસીનો મમતા પર સીધો પ્રહાર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી હવે હુમાયુ કબીરની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ ગઠબંધનનો હેતુ બંગાળના લોકોને એક નવો વિકલ્પ આપવાનો છે. ઓવૈસીએ કહ્યું કે રાજ્યના ઘણા લોકો હાલ અસંતોષ અનુભવી રહ્યા છે અને બદલાવ ઈચ્છે છે. તેમની દૃષ્ટિએ આ ગઠબંધન ગરીબ, પછાત અને લઘુમતી વર્ગ માટે કામ કરશે. ખાસ કરીને મુસ્લિમ સમાજનું નેતૃત્વ આગળ આવે અને તેમનો વિકાસ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં લઘુમતી લોકો સાથે પૂરતો ન્યાય થયો નથી. ઘણા વિસ્તારોમાં પાણી અને રોજગાર જેવી સમસ્યાઓ હજુ પણ છે. માત્ર વચનો આપવાથી સમસ્યાઓ હલ થતી નથી, વાસ્તવિક કામ કરવાની જરૂર છે.

આ સાથે તેમણે મમતા બેનર્જી પર પણ આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે મમતા સરકારની નીતિઓના કારણે ભાજપ બંગાળમાં મજબૂત બન્યું છે. લોકો હવે નવા નેતૃત્વ તરફ જોઈ રહ્યા છે. ગઠબંધનના નેતાઓએ કહ્યું કે બેઠકોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઉમેદવારો જાહેર થશે. આ ગઠબંધનનો પ્રચાર મુર્શિદાબાદથી શરૂ થશે, જ્યાં ઓવૈસી અનેક સભાઓ કરશે અને લોકોને પોતાની વાત સમજાવશે. હુમાયુ કબીરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ગઠબંધન મજબૂત રહેશે અને બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે દાવો કર્યો કે જો કોઈ પાર્ટીને સંપૂર્ણ બહુમતી નહીં મળે તો આ ગઠબંધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ગઠબંધન બંગાળની ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી શકે છે. હવે જોવું રહેશે કે લોકો આ નવા વિકલ્પને કેટલો સમર્થન આપે છે.

Most Popular

To Top