National

મમતા બેનર્જીનો PM મોદીને પત્ર, લખ્યું- ‘આ ત્રણ કાયદાઓને લાગુ કરશો નહીં’

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) એનડીએ (NDA) ગઠબંધનની સરકાર બન્યા બાદ હવે મોદી સરકાર ઘણા મહત્વના નિર્ણયો લઇ રહી છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉથી ઘડવામાં આવેલી યોજનાઓ પણ અમલમાં મુકાઇ રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર (letter) લખીને પશ્ચિમ બંગાળમાં ત્રણ કાયદાઓનો અમલ ન કરવા વિનંતી કરી હતી.

પોતાના પત્રમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે કાયદાઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ, 2023 નો સમાવેશ થાય છે. આ ત્રણ કાયદા 1 જુલાઈથી અમલમાં આવવાના છે. ત્યારે મમતાએ કહ્યું હતું કે આ ત્રણેય કાયદા ઉતાવળમાં પસાર કરવામાં આવ્યા હતા, જ્યારે મોટાભાગના વિપક્ષી સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમોએ ત્રણ કાયદાના અમલીકરણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

146 સાંસદો વગર બિલ પસાર થયા
મમતાએ લખ્યું હતું કે આ ત્રણેય બિલ લોકસભામાં એવા સમયે પસાર કરવામાં આવ્યા હતા જ્યારે 146 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. “તમારી પાછલી સરકારે આ ત્રણ મહત્વપૂર્ણ બિલ એકતરફી અને કોઈપણ ચર્ચા વિના પસાર કર્યા હતા. તે દિવસે, લોકસભાના લગભગ 100 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બંને ગૃહોના કુલ 146 સાંસદોને સંસદની બહાર કરી દેવામાં આવ્યા હતા. તેમજ લોકશાહીના તે અંધકાર કાળમાં, બિલો સરમુખત્યારશાહીમાં પસાર કરવામાં આવ્યા હતા.’’

હવે આ બાબતની સમીક્ષા કરવી જરૂરી છે
મમતા બેનર્જીએ આગળ લખ્યું “હવે હું તમારી સત્તાને વિનંતી કરું છું કે ઓછામાં ઓછું અમલીકરણની તારીખ લંબાવવા પર વિચાર કરો, કારણ કે આ બાબતના નૈતિક અને વ્યવહારુ કારણો છે.” તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ કાયદાકીય ફેરફારો પર નવેસરથી ચર્ચા થવી જોઈએ અને નવી ચૂંટાયેલી સંસદ સમક્ષ ચકાસણી માટે મૂકવી જોઈએ. આ સાથે જ ટીએમસી સુપ્રીમોએ કહ્યું, “ઉતાવળમાં પસાર કરાયેલા નવા કાયદાઓ સામે વ્યાપક જાહેર વિરોધ થયો છે. જેને ધ્યાનમાં રાખીને, નવી સંસદીય સમીક્ષા લોકશાહી સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવશે. આ પદ્ધતિ નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સૂચિત કાયદાની સંપૂર્ણ તપાસ કરવાની તક પૂરી પાડશે.

કાનૂની ફેરફાર પહેલાં ગ્રાઉન્ડવર્ક જરૂરી
મમતાએ વધુમાં લખ્યું હતું કે “કોઈપણ દૂરગામી કાયદાકીય ફેરફારોને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે અગાઉથી સાવચેતીપૂર્વક પાયાની જરૂર છે અને અમારી પાસે આવી કવાયતથી દૂર રહેવાનું કોઈ કારણ નથી,” TMC સુપ્રીમોએ કહ્યું, “હું તમને ભારતીય અમલીકરણને સ્થગિત કરવાની અમારી અપીલ પર વિચાર કરવા વિનંતી કરું છું જેમાં સિવિલ કોડ (BNA) 2023, ભારતીય પુરાવા અધિનિયમ (BSA) 2023 અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) 2023 નો સમાવેશ થાય છે.”

Most Popular

To Top