Columns

માધુકરીનો મોલ

કદમદાસ બાઉલનો આશ્રમ લગભગ 60 Km દૂર હતો. અમે રધુનાથગંજ પહોંચ્યા હતા. ત્યાં સમાચાર મળ્યા કે તમે મહોત્સવ (માચ્છાબ)માં કેમ ન પહોંચ્યા? 5 માસ પહેલાં 25મી જ્યેષ્ઠા પર તો પૂર્ણ થયો. 500 થી 600 બાઉલ આવ્યા હતા. કદમદાસના ગુરુ ચિંતનદાસના સમાધિ દિવસની ઉજવણીની વાત હતી. અમે તો આ વાતથી અજાણ હતા. તેથી તેમાં સામેલ થવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહોતો. આ રીતે અમે પદ્માના દક્ષિણ કાંઠા પર કદમદાસના આશ્રમે સાંજે 6 વાગ્યે પહોંચ્યા. શિયાળાનો દિવસ હતો એટલે અંધારું છવાઈ ગયું હતું. કદમદાસ શિષ્ય જતીનદાસ અને અન્ય પાંચેક શિષ્ય અમારી રાહ જોતા હતા. ત્યાં અમોને કંઇક નવો જ નઝારો જોવા મળ્યો.

એક વ્યક્તિ બાઉલ કદમદાસના પગ પાસે બેસી ચોધાર આંસુએ રડતો હતો. જાણે કોઈ ભયંકર અપરાધ કર્યો હોય તે રીતે માફી માગતો હતો. કદમદાસ સાંત્વના આપતા હતા. મને વાત જાણવામાં રસ પડ્યો. તેથી હું તો કપડા બદલવા કે નહાવા પણ ન ગયો. બસ, ત્યાં જ બેસી રહ્યો. પરંતુ તે માણસનો શું દોષ હતો? તે બાઉલની શું કામ માફી માગતો હતો? તે કશું સમજાયું નહીં. સળંગ અડધો કલાક આ ‘માફીનામા’નો પ્રસંગ ભજવાયો પછી તે માણસ ચાલ્યો ગયો. કદમદાસ મારી આંખોમાં રહેલ પ્રશ્નાર્થની ચમકને કળી ગયા હતા. તેમણે પૂછ્યું, ‘સોતીશ મોસાય! તમારે તે શું વાત હતી તે જાણવી છે ને?’ મેં હા કહી.

તે બોલ્યા, ‘ગુરુ ચિંતનદાસની પુણ્યતિથિ 25મી જયેષ્ઠના રોજ હતી. તેથી હું તો એક માસ સુધી બધા જ અખારાઓમાં રૂબરૂ આમંત્રણ આપવા નીકળી ગયો હતો. અહીં મહોત્સવની તૈયારી માટે જતીનદાસને જવાબદારી સોંપી હતી. જતીન અને બધા જ શિષ્યો સરસ કામ કરતા હતા. ગામની એક વ્યક્તિએ મંડપની જવાબદારી સ્વીકારી લીધી હતી. બધા જ શિષ્યોએ લાગલગાટ 30 દિવસ માધુકરી કરીને આશરે 400 Kg ચોખા એકઠા કરી લીધા હતા. તે ચોખાને સાચવવા લીંબડાના પાન અને શણની બોરી વગેરે વ્યવસ્થા પણ કરી.

હું તો 20મી જયેષ્ઠના દિવસે પરત આશ્રમે પહોંચ્યો, ત્યારે તો બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. તે રાત્રે એવું બન્યું કે તે બાઉલ આશ્રમોમાં ક્યારેય બનતું નથી. બધા શિષ્યો શ્રમિત થઈ અને ઘસઘસાટ સૂઈ ગયા હતા ત્યારે આશ્રમના આંગણામાં પડેલા બધા જ ચોખા કોઈ ચોરી ગયું. અમે સવારે ઊઠીને જોયું. સ્થાનિક દરોગાએ આવીને તપાસ કરી અને મને ફરિયાદ કરવા જણાવ્યું. મને થયું કે આ ચોખા ક્યાં મારા હતા? સમાજના હતા અને સમાજનો એક જરૂરિયાતમંદ માણસ જ લઇ ગયો છે. એમાં હું કેવી રીતે ફરિયાદી બનું?

મેં ફરિયાદ કરવાનું વાજબી ન માન્યું પણ સ્થાનિક દરોગાએ કહ્યું, ‘બાઉલ! તમે ભલે ફરિયાદ ન કરી પણ ચોર જો આજુબાજુની પીઠામાં ચોખા વેચવા જશે તો મારું ધ્યાન બધે જ રહે છે, તેને હું છોડીશ નહીં! ગામના 2 બાઉલ પ્રેમીએ મહોત્સવમાં જરૂરી બધા જ ચોખા તેમના તરફથી આપવાની જાહેરાત પણ કરી દીધી. તેથી તે પ્રશ્ન પૂરો થઈ ગયો. મહોત્સવ પણ સારી રીતે સંપન્ન થઈ ગયો. થોડા દિવસ પછી મેં જતીનને પૂછ્યું, ‘પદ્માના કાંઠે મદ્યદહા પછીના વોકળા પાસેનું ખેતર કોનું છે?’ જતીને તપાસ કરીને કહ્યું, ‘ગુરુ, તે ખેતર શ્રીકાર મંડલનું છે. તે આપણા આશ્રમે અવારનવાર આવે છે. સેવા પણ કરે છે.’ મેં કહ્યું, ‘તે આપણા મહોત્સવના ચોખાનો ચોર છે! આપણે કશું કરવું નથી પણ તને જણાવું છું.’ જતીન આશ્ચર્યચકિત થઈ મારી સામે જોઈ રહ્યો.

વાતને આગળ વધારતા બાઉલ બોલ્યા, ‘આજે તમે આવ્યા ત્યારે રડતોકકળતો હતો ને તે જ શ્રીકાર મંડલ! તે રડતાં રડતાં કહેતો હતો, ‘બાઉલ હું તારા ચોખાનો ચોર છું. મને સજા મળી ગઈ. મારો પાક નિષ્ફળ ગયો. મારી મહેનત માટીમાં મળી ગઈ. હવે મને માફ કર.’ મેં પૂછ્યું, ‘બાઉલ! તને પહેલાથી જ કેમ જાણ થઈ ગઈ કે શ્રીકાર ચોર છે? તેનો પાક નિષ્ફળ કેમ ગયો? લોકોક્તિ છે કે બાઉલ મંત્રતંત્રના ગુપ્ત પ્રયોગો જાણતા હોય છે. શું તે તેવો કોઈ પ્રયોગ કર્યો હતો?’ બાઉલ હસ્યો, ‘ગુપ્ત સાધના જરૂર જાણીએ છીએ પણ તે માનેર માનુષને શોધવા માટે વાપરીએ.

ચોખાના ચોરને શોધવા થોડા વાપરીએ?’ વાત ઈમ છે કે અમારા મહોત્સવના ચોખા માટે તો બધા શિષ્યોએ આજુબાજુના 10 ગામોમાં અનેક ઘરે માધુકરી કરી અનેક જાતના ચોખા જેમ કે કનકચૂર, હિમાલતન, ચિતકામિની, રાણી અખંડા, કાલાભાત, રાધુની પાગોલ, હોગલા, ભૂપેશ, રાજદીપ, કદમકરી, દાનારગુરી, તુલસી ભોગ વગેરે ભેગા કર્યા હોય. અમારા ઉત્સવમાં મજા જ તે છે કે દરેક વર્ગના વ્યક્તિને તેની સોડમ અને સ્વાદ તેની થાળીમાં મળે તેની ભૂખ અને મન બન્ને સંતોષાય. એટલે જ કહેવાય છે ને કે બાઉલના ભજન અને ભોજનમાં ‘સાબી લોકેર સબાદ’ આવે. માંગેલું ધાન ખાવાની એ જ તો મજા છે! શ્રીકારે આ ચોખા ચોરી લીધા પણ તેને ખાવાનું ન સૂઝ્યું. તે દરોગાને બોલતા સાંભળી ગયો હતો તેથી ચોખાને દાણાપીઠમાં વેચી શકે તેમ તો હતો નહીં તેથી તેણે તે ચોખા વાવણી માટે ઉપયોગમાં લીધા!

પણ આ તો બાઉલની માધુકરીના ચોખા! તેમાં કેટલાક ચોખા 1 ફૂટના થાય, કેટલાક 3 ફૂટના, કેટલાક 4 અઠવાડિયામાં પાકે તો કેટલાક 10 અઠવાડિયા, કેટલાક લીલાછમ ઊગે તો કેટલાક પોપટિયા ઊગે! કેટલાકને ખૂબ પાણી જોઈએ તો કેટલાક ઓછા પાણીએ પાકે! તેને વાવવાથી કાપવા સુધી અનેક ભેદનો સામનો કરવો પડે! તેથી પહેલા શ્રીકારની નિયત બગડી પછી તેનો પાક અને ખેતર પણ બગડ્યું! ફસલ નિષ્ફળ ગઈ!

મેં પૂછ્યું, ‘તને કેમ આગોતરી ખબર પડી ગઈ હતી?’ બાઉલ બોલ્યો, ‘હું માધુકરી માટે તે તરફથી નીકળેલો ત્યારે બીજા ખેતરોમાં સમાન ઊંચાઈ, રંગની કમોદ લહેરાતી જોઈ! આ એક ખેતરમાં બધું જ અસમાન! રંગ, ઊંચાઈ, આકાર જાત પ્રમાણે અલગ અલગ! એટલે સમજાઈ ગયું!’ પછી બાઉલ બોલ્યો, ‘તેથી તો કહેવાય છે કે બાઉલની માધુકરીનું ચુગેલું ધન ક્યારેય ન ઊગે અને અમારી બાઉલી વાણી ક્યારેય ઊગ્યા વગર ન રહે!’

Most Popular

To Top