SURAT

‘તબેલા તોડવાનું બંધ કરો નહી તો…’, સુરત મનપા પર માલધારીઓનો મોરચો

સુરત: રખડતા ઢોરો ઉપર નિયંત્રણ લાવવાના હાઈકોર્ટનાં આદેશ બાદ માલધારી સમાજ(Maldhari society) અને સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. સુરતમાં મહાનગરપાલિકાએ જે રીતે ઢોર પકડવાની કામગીરી શરુ કરી છે. તેને લઇને માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કામગીરી જ્યારથી શરુ થઇ છે ત્યારથી જ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે માલધારી સમાજનાં લોકોએ મનપા કચેરી બહાર મોરચો માંડયો હતો. માલધારી સમાજના લોકોએ હાથમાં બેનરો લઇને સુરત મનપા હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ માલધારી સમાજના લોકોએ પશુ સાથે મેયરના બંગલાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પશુ સાથે મેયરનાં બંગલાનો ઘેરાવો કરીશું: માલધારી સમાજની ચીમકી
સુરત સુરત કોર્પોરેશન દ્વારા ગેરકાયદે ભેંસના તબેલાઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવતા માલધારી સમાજ રોષે ભરાયો હતો. જેના પગલે આજે તેઓ મેયરને મળવા માટે મનપા કચેરી બહાર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ કચેરી બહાર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. મેયર કચેરી પર હાજર ન હોવાથી માલધારી સમાજના લોકોએ પાલિકા કમિશ્નરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં તેઓએ ડિમોલીશનની કામગીરી બંધ કરવા તેમજ જે તાબેલાઓ દૂર કરવા માટે ખોટી રીતે જે હુકમે કરવામાં આવી રહ્યો છે તેને બંધ કરવા માંગ કરી છે. માલધારી સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, તેઓ કોર્પોરેશન મોરચો લઈને મેયરને મળવા આવ્યા હતા પરંતુ મેયર જાણે માલધારીઓની કોઈ ચિંતા ના કરતા હોય તેમ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ડેપ્યુટી મેયર પણ હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનરને અમારી લાગણી પહોંચાડી છે. આ સાથે જ તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તબેલાને દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ નહીં કરવામાં આવે તો અમારા તમામ પશુઓ સાથે માલધારી સમાજ મેયરના બંગલાનો ઘેરાવો કરવા પહોંચી જશે.

માલધારી સમાજના સમર્થનમાં ભાજપમાંથી રાજીનામાં
માલધારી સમાજનાં ભાજપ સાથે જોડાયેલા હોદ્દેદારો સમાજના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા છે. ભાજપ સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહીને પક્ષને મજબૂત કરવાની કામગીરી કરતા માલધારી સમાજના વ્યક્તિઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે રખડતા ઢોરની આડમાં તબેલામાંથી પશુઓને લઈ જઈને માલધારી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. જેમાં કતારગામ વિધાનસભામાં ભાજપનાં સોશિયલ મીડિયામાં સહાય ઇન્ચાર્જ અશ્વિન રબારીએ, કતારગામના વોર્ડ નંબર 8 ના યુવા મોરચાના મંત્રી મિલન દેસાઈ તેમજ કતારગામ વિસ્તારની બાલાજી સોસાયટીના મંત્રી તરીકે રાજુભાઈ રબારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Most Popular

To Top