બ્રિટિશ ટુરિસ્ટ સામે જેલની તલવાર
યુએસ અને ઇરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે દુબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 60 વર્ષીય બ્રિટિશ પ્રવાસીને મિસાઈલ હુમલાનો વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જો આરોપ સાબિત થાય તો તેને બે વર્ષ સુધીની જેલસજા અથવા ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.
રિપોર્ટ અનુસાર, આ બ્રિટિશ નાગરિક દુબઈમાં રજાઓ માણવા માટે આવ્યો હતો. આ દરમિયાન વિસ્તારમાં મિસાઈલ હુમલાની ઘટનાઓ બની રહી હતી. કહેવાય છે કે પ્રવાસીએ આ હુમલાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યો હતો. બાદમાં સ્થાનિક અધિકારીઓએ તેને કસ્ટડીમાં લઈ લીધો.
માહિતી મુજબ, પોલીસે તેને પૂછપરછ દરમિયાન વીડિયો ડિલીટ કરવા જણાવ્યું હતું અને પ્રવાસીએ તરત જ તે વીડિયો ડિલીટ પણ કરી દીધો હતો. છતાં પણ તેના સામે કેસ નોંધાયો છે. હાલ તેને દુબઈના Bur Dubai Police Stationમાં રાખવામાં આવ્યો હતો.
કેમ્પેઈન ગ્રુપ Detained in Dubaiના સીઈઓ Radha Stirlingએ જણાવ્યું કે આ કેસ UAE Cybercrime Law હેઠળ નોંધાયો છે. આ કાયદા મુજબ કોઈ વ્યક્તિ માહિતી નેટવર્ક અથવા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખોટી ખબર, અફવા અથવા પ્રેરક સામગ્રી પ્રસારિત કરે તો તેના સામે ગંભીર કાર્યવાહી થઈ શકે છે.
સ્ટર્લિંગના જણાવ્યા મુજબ આરોપ કાગળ પર ગંભીર લાગે છે, પરંતુ ઘણી વખત આવા કેસોમાં લોકો ફક્ત કોઈ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોને શેર કરે કે તેની ઉપર કોમેન્ટ કરે ત્યારે પણ મુશ્કેલીમાં આવી શકે છે. અહેવાલ પ્રમાણે, આ બ્રિટિશ પ્રવાસી એવા 21 લોકોમાંનો એક છે, જેમને વિવિધ દેશોમાંથી આવી સમાન ઘટનાઓમાં ધરપકડ કરવામાં આવી છે.
જો કોર્ટમાં આરોપ સાબિત થાય તો આરોપીને બે વર્ષ સુધીની જેલસજા અથવા 20,000 થી 2,00,000 દિરહામ સુધીનો દંડ થઈ શકે છે. સાથે જ સજા પૂર્ણ થયા બાદ તેને દેશમાંથી ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. આ ઘટનાએ ફરી એકવાર Dubaiમાં લાગુ કડક સાયબર કાયદાઓ અંગે ચર્ચા જગાવી છે, ખાસ કરીને યુદ્ધ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં વીડિયો બનાવવાની બાબતે.