World

Pakistan Election 2024: પાકિસ્તાનમાં ઈમરાનના નામ પર ચૂંટણી લડતા અપક્ષોને બહુમત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) ફરી એકવાર અસ્થિર સરકારનો ભય દેખાઈ રહ્યો છે. દેશમાં યોજાયેલી ચૂંટણીમાં (Election) નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીઓ પીએમએલ-એન અને પીપીપી જે મોટા દાવાઓ કરી રહી હતી તે ખાલી હાથ રહી ગઈ છે. આ બંને પક્ષો બહુમતીથી (Majority) ખૂબ જ દૂર છે. જો બંને પક્ષોએ જીતેલી બેઠકોનો ઉમેરો કરવામાં આવે તો પણ આ પક્ષો બહુમતી (Majority) માટે 134 બેઠકો મેળવી શકશે તેવી શક્યતા નથી.

પાકિસ્તાનના લોકોએ કેપ્ટન સાહેબ એટલે કે પૂર્વ પીએમ ઈમરાન ખાનના નામ પર વિશ્વાસ જાહેર કર્યો છે. ઈમરાનના નામે આ ચૂંટણી લડનારા અપક્ષોને નોંધપાત્ર સફળતા મળી છે. પરંતુ આ અપક્ષો પાસે કોઈ નેતા નથી. બીજી તરફ પાકિસ્તાનની સેનાને ઈમરાન પસંદ નથી. આવી સ્થિતિમાં ભારતના આ પાડોશી દેશમાં કોની સરકાર બનશે તે કહેવું મુશ્કેલ લાગે છે. અહીં જો કોઈપણ પક્ષ સરકાર બનાવે છે તો તે કેટલી ટકાઉ હશે તે કહેવું વધુ મુશ્કેલ છે.

ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી છે. હાલની અપડેટ્સ મુજબ તેમને 100 બેઠકો મળી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) એ 71 બેઠકો જીતી હતી. જ્યારે વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ 53 બેઠકો જીતી હતી. અત્યાર સુધીમાં 265 માંથી 236 બેઠકોના પરિણામ આવી ગયા છે. પાકિસ્તાનમાં સત્તાને લઈને આખી રાત દેશમાં ભારે હંગામો ચાલી રહ્યો હતો. જ્યારે મહત્વપૂર્ણ બેઠકોની મતગણતરી પણ સતત ચાલી રહી છે.

પીપીપી ચીફ બિલાવલ પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારી સાથે ચૂંટણી બાદ થનારી મહત્વની બેઠક માટે લાહોર પહોંચી ગયા છે. દરમિયાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. તેમજ પીપીપીના સૂત્રોનું કહેવું છે કે નવાઝ શરીફ અને આસિફ ઝરદારીએ લાહોરમાં બેઠક પણ કરી છે.

ચૂંટણી દરમિયાન આતંકી હુમલામાં 28 લોકોના મોત
ચૂંટણી દરમિયાન શરીફે કહ્યું કે તેમની પાર્ટી ગઠબંધન સરકાર બનાવવા માટે અન્ય જૂથો સાથે વાત કરશે કારણ કે તેઓ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. દરમિયાન ગુરુવારે મતદાન સમાપ્ત થયાના 24 કલાકથી વધુ સમય બાદ આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા. તેમજ વિશ્લેષકોએ આગાહી કરી હતી કે કદાચ કોઈ સ્પષ્ટ વિજેતા નહીં હોય.

Most Popular

To Top