બિહારમાં જસીડીહ-ઝાઝા રેલખંડ પર ગઈ કાલે 27 ડિસેમ્બર શનિવારે મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં સિમેન્ટ ભરેલી માલગાડી અચાનક પાટા પરથી ઉતરી જતાં તેના 12 જેટલા ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. જેમાંથી ત્રણ ડબ્બા તો નજીકની નદીમાં ખાબકી ગયા હતા. આ અકસ્માતને કારણે દિલ્હી-હાવડા મુખ્ય રેલ માર્ગ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત રાત્રે અંદાજે 11:30 વાગ્યે પુલ નંબર 676 અને પોલ નંબર 344/18 પાસે થયો હતો. માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરતા જ તેમાં ભરેલો સિમેન્ટનો મોટો જથ્થો ટ્રેક અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. પરિણામે જસીડીહ-ઝાઝા રેલખંડની અપ અને ડાઉન બંને લાઈનો બંધ કરવામાં આવી છે.
આ દુર્ઘટનાના કારણે દિલ્હી-હાવડા રૂટ પર દોડતી અનેક ટ્રેનોને અટકાવવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ, RPF અને રેલવેના ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે મોડી રાતનો સમય અને ગાઢ ધુમ્મસ હોવાને કારણે બચાવ અને ટ્રેક ક્લિયર કરવાની કામગીરીમાં વિલંબ થયો છે.