National

સોનભદ્રમાં ખાણ ધસી પડતાં મોટી દુર્ઘટના: 3 મજૂરોના મૃતદેહ મળ્યા, 15 હજી દટાયેલા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં ગત રોજ શનિવારે મોટી દુર્ઘટના બની હતી. ખાણ ધસી પડતાં 18 મજૂરો દટાયા. જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. 15 હજી દટાયા હોવાની આશંકા છે. જોકે બચાવ કામગીરી રાત્રિભર ચાલુ રહ્યું.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઓબરા વિસ્તારમાં આવેલી બિલ્લી મારકુંડી ખનન સાઇટ ખાતે શનિવારે સાંજે ખાણ ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. ‘ક્રિષ્ના માઇનિંગ સ્ટોન’ની ખાણમાં લગભગ 4 વાગ્યે 18 મજૂરો કામ કરી રહ્યા હતા. ડ્રિલિંગ દરમિયાન પહાડનો લગભગ 150 ફૂટનો ભાગ અચાનક તૂટી પડ્યો અને મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા. ઘટનાના સમયે બે મજૂરો કોઈક રીતે બચી નીકળી શક્યા પરંતુ બાકીના 16 મજૂરો ફસાઈ ગયા હતા.

ઘટના બાદ તરત જ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ, સમાજ કલ્યાણ રાજ્યમંત્રી સંજીવ ગોંડ, DM બી.એન. સિંહ અને SP અભિષેક વર્મા સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા.

ખાણમાં પાણી ભરાયેલુ અને અંધારું હોવાને કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેઓને કાટમાળ સુધી પહોંચવા માટે રસ્તો બનાવવો પડ્યો, લાઈટોની વ્યવસ્થા કરવી પડી, ત્યાર બાદ એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોએ રાત્રે સવા આઠ વાગ્યે બચાવ કાર્ય શરૂ કર્યું.

રેસ્ક્યુ દરમિયાન ત્રણ મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજી પણ 15 મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. બચાવ કાર્ય ઝડપથી ચાલુ છે.

દુર્ઘટનામાં બચી ગયેલા મજૂર છોટુ યાદવે ભાવુક બની જણાવ્યું કે તેના બે ભાઈ સંતોષ અને ઇન્દ્રજીત હજી સુધી અંદર ફસાયેલા છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ એડીજી ઝોન પીયૂષ મોર્ડિયા અને આઈજી મિર્ઝાપુર આર.પી. સિંહ પણ સ્થળ પર પહોંચી ગયા છે. જિલ્લાધિકારીએ આ સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે અને તપાસની જવાબદારી અધિક જિલ્લાધિકારી વાગીશ સિંહને સોંપવામાં આવી છે.

બચાવ ટીમો આશા રાખે છે કે વધુ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી શકાય. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.

Most Popular

To Top