પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વાના ઓરકઝાઈ જિલ્લામાં તાલિબાને પાકિસ્તાની સેનાને નિશાન બનાવી હુમલો કર્યો. જેમાં લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સહિત 11 સૈનિકો માર્યા ગયા. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ સ્વીકારી છે.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) મુજબ તા.7થી 8 ઓક્ટોબરની રાત્રે સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઓરકઝાઈ વિસ્તારમાં આતંકવાદીઓ સામે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન તાલિબાનના આતંકવાદીઓએ અચાનક ઘાતકી હુમલો કર્યો હતો. ભારે ગોળીબાર વચ્ચે 11 સૈનિકો શહીદ થયા પરંતુ પાકિસ્તાની સેનાએ પણ 19 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
ISPR દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આ હુમલો “ફિત્ના અલ-ખ્વારીજ” તરીકે ઓળખાતા આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. જે ખરેખર TTP સાથે સંકળાયેલ છે. સેનાએ જણાવ્યું કે વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો છે અને બાકી રહેલા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
હિંસાના આંકડા ચોંકાવનારા
સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (CRSS)ના અહેવાલ મુજબ વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખૈબર પખ્તુનખ્વા પાકિસ્તાનનો સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર રહ્યો છે. અહીં હિંસાના કુલ મોતમાંથી લગભગ 71 ટકા (638) મોત થયા છે. જ્યારે 67 ટકા કરતાં વધુ હિંસક ઘટનાઓ પણ આ જ પ્રાંતમાં બની છે.
ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન બંને અફઘાનિસ્તાનની સરહદે સ્થિત હોવાથી, તાલિબાન અને ટીટીપીના ઘૂસણખોરો માટે આ વિસ્તાર હંમેશાં પહેલો ટારગેટ રહ્યો છે.
તાજેતરના વર્ષોમાં તહરીક-એ-તાલિબાન સંગઠન ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં સતત હુમલાઓ કરી રહ્યું છે. નિષ્ણાતો મુજબ તાલિબાનની અફઘાનિસ્તાનમાં ફરીથી વાપસી બાદ ટીટીપીનું મનોબળ વધ્યું છે. જે પાકિસ્તાન માટે વધતા જોખમનું કારણ બન્યું છે.