સુરત: સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાના આધારે સુરત ગ્રામ્ય SOGએ ઓલપાડ તાલુકાના કારેલી ગામમાં દરોડો પાડી 55.493 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે કારેલી ગામની મધુવન રેસીડેન્સી, મકાન નંબર 188 પર ઓચિંતા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઓરિસ્સાના વતની ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી રાજેશ ઉર્ફે રામ અને જયસિંગ નામના મુખ્ય સપ્લાયરો ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો મોકલતા હતા. સાયણ રેલવે ટ્રેક પાસે પીલર નંબર નજીક લાઇટ સિગ્નલ દ્વારા ડિલિવરી લેવામાં આવતી અને ત્યારબાદ ટેમ્પો મારફતે કારેલી ગામના મકાનમાં સંગ્રહ કરીને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે ગંગુ, જયસીંગ તથા ટ્રેન મારફતે માલ પહોંચાડનારા સહિત કુલ 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઓલપાડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 20(બી) અને 29 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કાર્યવાહી બાદ સુરત ગ્રામ્ય વિસ્તારમાં નશાના કારોબારીઓમાં ચકચાર મચી છે.
જપ્ત મુદ્દામાલ
- ગાંજો: 55.493 કિલોગ્રામ (કિંમત રૂપિયા 27,74,650)
- ટાટા ટેમ્પો નંબર GJ-05-CU-1531
- 6 મોબાઈલ ફોન, રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો
- કુલ મુદ્દામાલ કિંમત: રૂપિયા 30,34,320
ધરપકડ કરાયેલા આરોપીઓ
- જયસેન તોફાન મહંતી (ઓડિશા)
- સુશાંત પ્રફુલ્લા નાયક (ઓડિશા)
- અજય ઉર્ફે અજયા નિત્યાનંદ નાયક (ઓડિશા)
- શ્રીકાંત શીબરામ પલતા (ઓડિશા)