હજી ગઈકાલે ઝારખંડ એરબસ ક્રેશ થવાની ઘટના બન્યા બાદ આજે સવારે એક અન્ય ઘટના બની છે. આજે સવારે મંગળવાર તારીખ 24 ફેબ્રુઆરીનો રોજ સવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે પોર્ટ બ્લેરથી માયાબંદર જતું પવન હંસનું હેલિકોપ્ટર ટેકઓફ કર્યા પછી તરત જ ટેકનિકલ ખામીનો ભોગ બન્યું હતું. ઘટના સવારે અંદાજે 9:30 વાગ્યાની આસપાસ બની હતી. હેલિકોપ્ટરમાં બે ક્રૂ સભ્યો સહિત કુલ 7 લોકો સવાર હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલોટે સાવચેતીરૂપે હેલિકોપ્ટરને સમુદ્રમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. સદનસીબે, તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને કોઈપણ પ્રકારની ઇજાના અહેવાલ મળ્યા નહોતા. અધિકારીઓએ માહિતી આપી હતી કે માયાબંદર નજીક લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર રનવેથી અંદાજે 300 મીટર દૂર સમુદ્રમાં ઉતારાયું હતું.
પ્રાથમિક તપાસ મુજબ, ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ તાત્કાલિક પગલું ભરવું પડ્યું હતું. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં, સ્થાનિક માછીમારો અને પોલીસ ટીમોએ પોતાના તરફથી બચાવ કામગીરી શરૂ કરી. મુશ્કેલ ભૂપ્રદેશ હોવા છતાં, બચાવ ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને લેન્ડિંગ સાઇટ પરથી બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટર પોર્ટ બ્લેરથી ઉડાન ભરી હતી અને માયાબંદર નજીક ટૂંકી લેન્ડિંગનો ભોગ બન્યું. નિષ્ણાતો હાલમાં ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા ઘટનાસ્થળે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.