વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની જવાબદારી અમદાવાદને મળી છે. કોમનવેલ્થને પગલે મોદી સ્ટેડિયમની આસપાસ અમદાવાદના મોટેરામાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે શનિવારે મોદી સ્ટેડિયમ પાસે 29 મકાનો તોડી પાડવાનું મેગા ડિમોલિશન શરૂ કરાયું છે.
અમદાવાદમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ વિકાસ કામો તેજીથી ચાલી રહ્યા છે. મોટેરાના બળદેવનગર વિસ્તારમાં ટીપી રોડ ખોલવા માટે આજે તા. 29 નવેમ્બર શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. સાબરમતી પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વહેલી સવારથી મકાનો તોડવાની કાર્યવાહી શરૂ
મોટેરા બળદેવનગરના કુલ 29 મકાનો ટીપી રોડના માર્ગમાં આવતા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આ મકાનોને અગાઉ નોટિસ આપી હતી.
નોટિસ હોવા છતાં રહીશો મકાન ખાલી કરવા તૈયાર નહોતા. સ્થાનિક રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા જેના કારણે ડિમોલિશન થયું નહોતું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજી નકાર્યા બાદ આજે વહેલી સવારથી ડિમોલિશન શરૂ કરાયું.
મ્યુનિસિપલ ટીમ સાથે 4 હિટાચી મશીનો, 2 JCB અને મોટી સંખ્યામાં મજૂરોની મદદથી કામગીરી ચાલુ છે. સવાર સુધીમાં 15 મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને સાંજ સુધીમાં સંપૂર્ણ 29 મકાનો તોડી પાડવાનો પ્લાન છે.
કોમનવેલ્થ ગેમ્સ માટે માર્ગ ખોલવાનો નિર્ણય
ટીપી રોડ 24 મીટર પહોળો છે અને આ રોડ સીધો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક બનતા એક્વેટિક સ્ટેડિયમ સુધી જાય છે. જેથી કોમનવેલ્થ ગેમ્સ માટે ખેલાડીઓની મૂવમેન્ટ સરળ બનાવવા માટે આ રોડ ખુલ્લો રાખવો જરૂરી હોવાથી ડિમોલિશન પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
અગાઉ ટીપી રોડના અચેર અને સુભાષનગર વિસ્તારમાં આવતાં મકાનો તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ મોટેરાના બળદેવનગર વિસ્તારમાં કેસ કોર્ટમાં હોવાથી કામગીરી અટકી ગઈ હતી. હવે કોર્ટની નકારાત્મક નોંધ બાદ ફરી કાર્યવાહી શરૂ થઈ છે.
મ્યુનિસિપલ અધિકારીઓ મુજબ “શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવાના ભાગરૂપે અને કોમનવેલ્થ ગેમ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માર્ગ ખુલ્લો કરવો જરૂરી છે.”